ગોધરા નગરપાલિકા કચેરીને વડાપ્રધાનનું સ્વચ્છતા અભિયાન લાગુ ન પડતું હોય તેવો ચિત્ર હાલ પાલિકાના લોબીથી લગાવી શૌચાલય સુધી જોવા મળી રહ્યા છે. સરકારે કરોડો રૂપિયા ખર્ચીને આધુનિક સવલતો સાથેની કચેરી અધિકારીઓ અને લોકોને આપી, પરંતુ તેની સાફ-સફાઈ તરફે સરકારી અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન જ અપાતું ન હોય તેવું ચિત્ર ઉભું થયું છે. સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ગંદકી વર્તાઈ રહી છે.
કચેરીની રૂબરૂ મુલાકાત લેતા બહારના પરીસરાથી લઈને અંદર આવેલા જાહેર હોલ, લોબી તથા અન્ય ખુલ્લી જગ્યાઓ પર કચરા તથા અસ્વચ્છતા ઉડીને આંખે વળગે છે. એસી કચેરીઓમાં બેસતા સરકારી અધિકારીઓ ઓને કચેરીમાં લટાર મારીને સ્વચ્છતાની સમીક્ષા કરવાની દરકાર નથી તે ફેલાયેલી ગંદકી સાબિત કરે છે. સુત્રોએ જણાવ્યું હતું કે, અધિકારીઓ પોતાની કચેરી સાફ રહે તે પુરતુ ધ્યાન રાખે છે બાકી જ્યાં લોકોની અવરજવર તથા હાજરી હોય છે તેવી એકપણ જગ્યાએ નિયમિત સફાઈ થતી નથી.
શૌચાલયની વ્યવસ્થા તો કરી દેવાઈ છે પરંતુ તે વ્યવસ્થાના ભાગરૂપે જ થઈ હોય તેવી હાલત તેને જોતા થાય છે. ગંદકીથી ખદબદતા શૌચાલયની સફાઈ જ થતી નથી અને શૌચાલયના ટબ પણ તૂટેલ હાલત જોવા મળે છે, જેના કારણે કચેરીના ફસ્ટ ફલોર પર પ્રવેશતા જ આખા પરીસરમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે.
બેઠક વ્યવસ્થા સુધી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી કલાકો સુધી બેસવા મજુબર લોકોની હાલત કફોડી બને છે. સફાઈના સુત્ર ગામમાં ચિતરાવતા અધિકારીઓ તેને ખરા અર્થમાં સાર્થક કરે તેવી માંગ ઉઠી છે. ગોધરા નગરપાલિકા કચેરીમાં શૌચાલય અને આજુબાજુની દિવાલ પર અધિકારીઓ દ્વારા સફાઈની કોઈ દરકાર લેવાતી ન હોવાથી ગંદકીથી ખરડાઈ ગઈ છે. માવાની પિચકારીથી દિવાલાથી લઈ શૌચાલય સહિતના સ્થળો ખરાબ થઈ ગયા છે. કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ રસ નહી લે તો તેની હાલત પણ બદતર બની જશે. ત્યારે આ કચેરીઓમાં રોજ સ્વચ્છતા અભિયાન થાય તે જરૂરી છે.
– કચેરીની સફાઈના બિલ બને તો કામ કેમ નહી?
ગોધરા નગરપાલિકા કચેરીની સફાઈના બિલ નિયમિત બનતા હોય છે પરંતુ સફાઈની બાબતે નિયમિતતા જળવાતી નથી ત્યારે સફાઈના નામે થતા ચુકવણાની પણ ઉચ્ચકક્ષાએ તપાસ થવી જોઈએ તેવી માંગણી ઉઠી છે.
પંચમહાલ રાજુ સોલંકી