ગોધરા શહેરના તીરગર વાસમાં આવેલા રામજી મંદિર ખાતે પાત્રીસ જેટલી બહેનો ભેગી થઈ હતી અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને પોતાની સમસ્યાઓને સાંભળવા અને વાચા આપવાની રજૂઆત કરવા બોલાવ્યા હતા. જિલ્લા પ્રમુખ સહિત જિલ્લા ઉપપ્રમુખ દયાલભાઇ આહુજા, ગોધરા શહેર પ્રમુખ અજય વસંતાણી, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ તથા ઝોન કિસાન પ્રમુખ અને શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી રામજી મંદિર પર બહેનોની રજૂઆત સાંભળવા આવ્યાં હતાં.
ઉપસ્થિત બહેનોએ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને જણાવ્યું હતું કે, તેઓ ત્રીસ – પાંત્રીસ વર્ષથી ગોધરા નગરપાલિકાના પ.વ.ડી વિભાગમાં કામ કરે છે. તેઓની કામગીરી નગરપાલિકા દ્વારા સોંપવામાં આવતી કામગીરી જેવી કે રસ્તાની, પાઇપ લાઇનની, બગીચાની, ગટર લાઇનના ચણતર પ્લાસ્ટરની વિગેરે કરાવવામાં આવે છે અને સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી આવી કામગીરી કરવાની હોય છે. આટલા લાંબા સમયથી આ કામગીરી કરે છે છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. તેમજ દૈનિક રોજ લગભગ ૩૩૦ જેટલો છે છતાં મહિનાના પગાર તરીકે હાથ ઉપર પાંચ હજાર તો કેટલાકને છ હજાર ચૂકવવામાં આવે છે. જો આ બાબતે રજૂઆત કરીએ તો કામમાંથી છૂટા કરી દેવાની ધાક ધમકી આપવામાં આવે છે તેવી રજૂઆત બહેનોએ કરી હતી. સાથે સાથે આટલા ટુંકા પગારમાંથી પીએફ તરીકે એક હજારથી ચૌદસો રૂપિયા કાપી લે છે. પીએફમાં ખરેખર જમા થાય છે કે નહીં તે બાબતે પણ આ બહેનો અજાણ અને ચિંતિત છે.
મુખ્ય સમસ્યાની જાણ કરતાં આ બહેનોએ જણાવ્યું કે, છેલ્લા ચાર મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. ત્યારે ટૂંકા પગારમાં અને ઉંચી મોંઘવારીમાં ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યું છે તેવી હૈયાની વેદના વ્યક્ત કરી હતી. ખરેખર આ સાંભળીને જિલ્લા પ્રમુખ સહિત પાર્ટીના તમામ હોદ્દેદારોને ભારે દુઃખ થયું હતું તેથી જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આ બાબતેની તાત્કાલિક રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી. અને જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન મુશ્કેલીમાં છે. આવક ઓછી છે, મોંઘવારી વધું છે. રોજગારી છે નહીં, બેરોજગારી વધે છે. ગરીબ વધુ ગરીબ બને છે, અમીર વધું અમીર બને છે. સત્તા પક્ષ સંપત્તિ ભેગી કરવામા છે અને વિપક્ષ વિશ્રામમાં છે. સત્તા પક્ષ લોકોને સાંભળતો નથી અને વિપક્ષ વાચા આપતો નથી.
પંચમહાલ રાજુ સોલંકી