ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં એક માત્ર રાષ્ટ્રીયકૃત બૅન્ક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. જેમાં આશરે એકવીસ હજાર જેટલા ખાતેદારો છે. મહેલોલ, હરકુંડી, ઇસરોડિયા, મુવાડી, સુખિયાપુરી, રામપુરા, જોડકા, ભાણપુરા, પ્રતાપપુરા, તારબોરડી, ધનોલ, ભાટપુરા, ભલાણીયા, જેવા ૪૫ જેટલા રેવન્યુ વિસ્તારમાં આ બેન્ક આવેલી છે. પચ્ચીસ જેટલી સહકારી મંડળીઓ અને ૫૦ જેટલી દૂધ મંડળીના ખાતાઓ ઉપરાંત અનેક પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ, વિદ્યાભારતી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોના ખાતાં, સરકારી કર્મચારીઓ, પેન્શન મેળવતા કર્મચારીઓ, વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ વગેરે અનેકવિધના ખાતાં આ બૅન્કમાં ચાલે છે. પરંતું બૅન્કમાં વારંવાર સર્વર ખોટકાઈ જવાથી, ધીમું ધીમું ચાલવાથી અને બંધ થઈ જવાથી ખાતેદારોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. ખરી જરુરીયાત વખતે જ બેન્ક ગ્રાહકોને નાણાં મળી શકતા નથી કે ક્યારેક ગોધરા ખાતે લેવા જવું પડે છે. આ બેંકના ખાતેદારોની પાસબુકમાં નિયમિત એન્ટ્રી થતી નથી કે પાસબુક મૂકીને જવું પડે છે અને બૅન્કમાં કાઉન્ટર પર આવી પાસબુક જોવા મળે છે.
વિધવા સહાય યોજના અંતર્ગત લાભાર્થીને સહાયની રકમ મેળવવા માટે પણ ધક્કા ખાવા પડે છે. બૅન્કમા કે બૅન્કની બહાર ખાતેદારો માટે બેસવાની વ્યવસ્થા પૂરતી નથી. બૅન્કની અંદર કાઉન્ટરની બંને બાજુએ કેટલોય સામાન મુકવામાં આવેલો છે. જેથી અવરજવર અને બેસવા કે ઊભા રહેવામાં તકલીફ પડે છે. કેટલાકના નવાં ખાતાં ખોલવામાં ઘણો જ વિલંબ થાય છે. આ બધી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવી ગ્રામજનોની ખાતેદારોની માંગણી કરવામા આવી છે. બૅન્કના અધિકારીઓ દ્વારા પણ કેટલીક મુશ્કેલીઓની જાણકારી સેન્ટ્રલ બેંક કે ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી છે છતાં પણ હજી સુધી નિરાકરણ આવ્યું નથી. બી.એસ.એન.એલ. દ્વારા ટાવરનું નેટવર્ક બરાબર નહીં હોવાથી કે નેટવર્ક ઠપ્પ થઈ જવાથી પણ મુશ્કેલી ઊભી થાય છે. બૅન્કમાં પડતી મુશ્કેલીઓના કારણે થાપણદારો પણ મૂંઝવણ અનુભવે છે. એ.પી.એમ.સી.ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા મા.કલેકટર ગોધરા પંચમહાલને પણ બૅન્કમાં પડતી મુશ્કેલીઓ અને નવી બીજી રાષ્ટ્રીય કૃત બૅન્ક ખોલવા માટે અગાઉ લેખિત રજૂઆતો કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી