પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગોધરા શહેરમાં પણ તેની અસર જોવા મળી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના સિંદુરી માતા મંદિર વિસ્તાર તેમજ ખાડી ફળિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જવાના માર્ગ ઉપર ઘૂટણ સમા પાણી ભરાયા હતા. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. ત્યારે તેનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.
મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહીનું સૂચન કરવામાં આવ્યું હતું. જેના પગલે શનિવાર સવારથી જ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તેમજ અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદી માહોલને કારણે રોજિંદું જનજીવન પ્રભાવિત બન્યું હતું ગોધરા શહેરની વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ વરસાદથી ભારે પ્રભાવિત બની હતી.
ગોધરા શહેરના સિંદુરી માતા મંદિર વિસ્તારમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને મીની તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સોસાયટીઓની વચ્ચે પસાર થતા રોડ ઉપર જાણે પાણીના ઝરણા વહેતા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. સૂર્યનગર સોસાયટીમાં ઝાડ તૂટી પડયુ હતુ અને અહી પણ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા નગરપાલિકા દ્વારા જેસીબી મશીનથી બ્લોક થયેલ ગટર લાઈનનું પાણી દૂર કરવામા આવ્યું હતુ.
વરસાદની સૌથી વધારે અસર ગોધરાના ખાડી ફળિયામાં જોવા મળી હતી જેમાં આવેલ ચિત્રાખાડી વિસ્તાર પાણીમાં અડધો ગરકાવ થયો હતો એટલુ જ નહી પણ સોસાયટીમાં આવેલા ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીનો સામાન પણ પલળી જવા પામ્યો હતો.એટલુ જ નહી અહી આ વિસ્તારમા ઘરોમાં ઘુસેલા પાણીને લોકોએ ઉલેચી કાઢવાનો વખત આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા શહેરના સિંદુરી માતા મંદિર અને ચિત્રાખાડી વિસ્તારમાં વરસાદી પાણી ઘરમાં ભરાતા સ્થાનિકોને હાલાકી.
Advertisement