ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લશ્કરી ભરતી મેળામા૧૫૩૭ ઉમેદવારો શારિરીક કસોટીમાં પાસ થયા
વિજય કુમાર, ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ, અમદાવાદ દ્વારા તા.૩૦/૦૫/૨૦૧૮ સુધી લશ્કરી ભરતી મેળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૨૧ જિલ્લાઓ સહિત દમણ અને દાદરા નગર હવેલીના ઉમેદવારો ભાગ લઇ રહ્યા છે. આ ભરતી મેળામાં કુલ ૩૮૮૬૧ ઉમેદવારોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.
ગોધરા એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ભરતી મેળાની આજે કલેકટરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લઇ લીધી હતી. કલેકટરશ્રીએ ભરતી મેળામાં ઉપસ્થિત ઉમેદવારોને દોડ માટે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.
કલેકટરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યુ કે ગોધરામાં યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ભાગ લીધો હતો. ઉમેદવારો માટે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સતિષ એમ. વાસડેએ જણાવ્યુ કે ગોધરામાં યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં કુલ ૧૫૩૭ ઉમેદવારો ફીઝીક્સ ફીટનેસ અને ફીઝીકલ મેજરમેન્ટ ટેસ્ટમાં પાસ થયા છે. લશ્કરી ભરતી મેળાને સફળ બનાવવામાં જિલ્લા પ્રશાસનના સહયોગને તેમણે બિરદાવ્યો હતો.
આ ભરતીમેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ, સોલ્જર ટ્રેડસમેન, સોલ્જર ટેકનીકલ અને સોલ્જર નર્સિંગ આસીસ્ટન્ટ કેટેગરી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.