ગોધરા જિલ્લા સેવા સદન ખાતે એક અનોખો વિદાય સમારંભ યોજાઈ ગયો. કલેક્ટર કચેરીના પટાવાળા ધૂળાભાઈ વણકર વયનિવૃત થતા તેમના કાર્યકાળના અંતિમ દિવસે નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયાએ તેમને પોતાની ચેમ્બરમાં પોતાની ખુરશી પર બેસાડી સન્માન્યા હતા તેમજ પોતાની ગાડીમાં ઘરે પહોંચાડ્યા હતા.
નિવાસી અધિક કલેક્ટરએ આ પ્રસંગે ધૂળાભાઈની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જનસેવા અર્થે કલેક્ટર કચેરી સતત ધમધમે છે તેમાં આવા કર્મઠ કર્મચારીઓની અવિરત સેવાનો ફાળો ખૂબ મોટો છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ બહોળો જનસંપર્ક ધરાવતો વિભાગ છે ત્યારે સતત આવતા મુલાકાતીઓ-અરજદારો, અધિકારીઓ-પદાધિકારીઓને માનપૂર્વક સંભાળવા-સાચવવા કુનેહ અને શ્રમનું કામ છે અને ધૂળાભાઈએ આર.એ.સી. ઓફિસના પ્યુન તરીકે આ ફરજ 21 વર્ષો સુધી બજાવી છે. 36 વર્ષની તેમની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે અત્યાર સુધી 11 નિવાસી અધિક કલેક્ટરઓના પટાવાળા તરીકે ફરજ બજાવી છે. જોકે કચેરીના કર્મચારી તરીકે તેમના અંતિમ દિવસને અધિકારીઓ-કર્મચારીઓએ યાદગાર બનાવી દીધો હતો. સન્માનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરએ તેમને પોતાની ગાડીમાં ઘરે જવા રવાના કરી નિવૃત જીવનની શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી. ધૂળાભાઈ પણ આ અનોખી વિદાયથી ભાવવિભોર થઈ ગયા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : અનોખો વિદાય સમારંભ : પટાવાળા વયનિવૃત થતા અધિક નિવાસી કલેક્ટરએ આપી સંવેદનાસભર વિદાય.
Advertisement