કોરોના સંક્રમણની દ્વિતીય લહેરના લગભગ અંત સાથે ત્રીજા તબકકાના આગમન માટે રાજય સરકાર સજ્જ હોવાના પ્રતિભાવના આ દાવાઓ વચ્ચે ગાંધીનગર આઈ.આઈ.ટી.દ્વારા ઝીણવટ પૂર્વક હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં અમદાવાદ સાબરમતી નદીના પ્રદુષિત પાણીમાંથી કોરોના વાયરસ જળ દ્વારા મળ્યો હોવાના આ તારણોમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા અને લક્ષણોની ઝપેટમાં આવી ગયેલા દર્દીઓના મળ માંથી કોરોના વાયરસ નીકળતો હોવાનું ઈન્ટરનેશનલ સ્ટડીમાં પુરવાર થયું છે. આ પૂર્વે વડોદરા વિશ્વામિત્રી નદીના સુએઝ પ્લાન્ટ માંથી પણ કોરોના વાયરસ મળ્યો હોવાનું સંશોધન દરમિયાન બહાર આવ્યું હતું.!!
આ ઉપરોક્ત હકીકતોનો ઉલ્લેખ અત્રે એટલા માટે કરવામાં આવ્યો છે કે પંચમહાલ જિલ્લામાં અતિ ઘાતક બનીને અત્યારે શાંત દેખાતી કોરોના સંક્રમણની આ દ્વિતીય લહેરમાં ગોધરા સિવિલ હોસ્પિટલના COVID-19 વોર્ડ કોરોના દર્દીઓની સારવારમાં હાઉસફૂલ થઈ ગઈ હતી અને ઓક્સિજન બેડની સુવિધાઓ માટે તો વેઈટિંગ જેવી પરિસ્થિતિઓ હતી.!! આ ગોધરા સિવિલ હોસ્પિટલમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ બનાવી છે આ હકીકતો પણ સત્ય છે પરંતુ આજ ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવેલા શૌચાલયોના પાણી પાછળ અડીને આવેલ ગોધરાની મેસરી નદીના સૂકા પટમાં ખાબોચિયાઓમાં ફેરવાઈ ગયા છે અને વર્ષાઋતુના આ વહેણમાં ડ્રેનેજના આ ગંદા પાણી વહેતા થઈ જાય એવા સ્પષ્ટ દેખાઈ રહેલા આ દ્રશ્યોમાં મેસરી નદીના પટમાંથી કોરોના વાયરસ પણ મળી આવવાની આ સંભાવનાઓ વ્યક્ત કરી શકાય એમ છે.!!
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે જિલ્લા સત્તાધીશો કે જેઓ કોરોના સંક્રમણની બન્ને લહેરોમાં દિવસ રાત ઉજાગરા કર્યા છે અને હવે ત્રીજી લહેરના આગમન સામે સજ્જ છે આ તમામ સત્તાધીશો મેસરી નદીના પુલ ઉપરથી પસાર થાય છે પરંતુ ગોધરા સિવિલ હોસ્પિટલના પાછળના ભાગેથી મેસરી નદીમાં વહેતા આ ગટર ગંગાના દ્રશ્યોની કલ્પના એટલા માટે નહીં કરતા હોય કે સિવિલ હોસ્પિટલમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ બનાવેલ છે. ગોધરા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં બિરાજતા સત્તાધીશોને લોકમાતા ગણાતી નદીઓ પ્રદુષણ મુક્ત રહે આ માટે તેઓના વહીવટ જાગૃત હોવાના દેખાવો થતા રહે છે. ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી ઉભરાતા ડ્રેનેજના પાણી મેસરી નદીમાં દેખાતા આ ખાબોચિયા સામે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની નજરો બંધ કેમ છે? જ્યારે કોરોના દર્દીઓ અને લક્ષણોની ઝપેટમાં આવેલા દર્દીઓના મળનો જળ પ્રવાહ નદીના પાણીમાં સામેલ થાય ત્યાં કોરોના વાયરસ હોવાનું સંશોધનમાં જયારે બહાર આવ્યું છે ત્યારે મેસરી નદીનો આ પટ પ્રદુષણથી મુક્ત રહે આ સૌ કોઈના આરોગ્ય માટે હિતાવહ છે.!!
રાજુ સોલંકી,પંચમહાલ