ગોધરા,
આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે પ્રતિવર્ષ ૯ ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુકત રાષ્ટ્રો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલા આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખું મહત્વ છે. ગુજરાતમાં પણ અંબાજી થી લઇ ઉમરગામ સુધીના વિસ્તારમાં આવેલા ૧૪ જિલ્લાઓ, ૫૨ તાલુકાઓ તથા ૪૫૦૦ ગામડાઓમાં ફેલાયેલા ૯૦ લાખના વિશાળ આદિવાસી સમાજની અનોખી સંસ્કૃતિ છે.
રાજય સરકારે આ દિવસને સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે. જે મુજબ પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકાના મોરા ગામે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. ઉજવણી દરમિયાન આદિવાસી સમાજના લોકોની પરંપરાગત વેશભુષા સાથેની સંગીત અને નૃત્યો સાથેની શોભાયાત્રા, સ્ટેજ કાર્યક્રમો, ધોરણ-૧૦ અને ૧૨ના ગત વર્ષના તેજસ્વી અને NEET અને JEEમાં ક્વોલીફાઇડ આદિવાસી વિદ્યાર્થીઓનું, રાજ્ય કે રાષ્ટ્ર કક્ષાના આદિવાસી રમતવીરોનું, સમાજ સેવા કે અન્ય ક્ષેત્રે અગ્રણી આદિવાસી મહિલા આગેવાનોનું, વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા આદિવાસી યુવાનોનું સન્માન કરવામાં આવશે. વધુમાં, પ્રગતિશીલ ખેડૂતોનું તથા સમાજ સેવકોનું બહુમાન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વિવિધ સરકારી યોજનાઓના આદિવાસી લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવશે.