ગુજરાતમા આવેલા વાવાઝોડા – વરસાદને કારણે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને થયેલા પારાવાર નુકશાન સામે તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાય મળવા માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત રાજ્ય કૃષિ સચિવને રજુઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીને સુપ્રત કરી પંચમહાલના ખેડૂતોને ન્યાય મળે તે માટે વિવિધ મુદ્દે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું.
આવેદનમા જણાવાયુ હતુ કે હાલમાં આવેલ તોકતે વાવાઝોડાના કારણે પંચમહાલ જિલ્લાના ખેડૂતોના કૃષિ પાક, બગાયતી પાકને ખૂબ જ મોટું નુકશાન થયેલ છે, હાલની કોરોનાની ચિંતા પ્રેરિત પરિસ્થિતિ અને ખેડૂતો ઉપર આવેલ આ આકસ્મિક મુશ્કેલીને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. આ સંજોગોમાં પંચમહાલના સાત તાલુકાના ખેડૂતોને પાકને નુકસાનનો તાત્કાલીક સર્વે કરી પેકેજ જાહેર કરી વળતર આપવા પંચમહાલ જિલ્લા કોંગ્રેસે માંગ કરી છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં પંચમહાલ ખેતીવાડી અધિકારીને સુપ્રત કરવામાં આવેલ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તીજોરિવાલા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ઉમેશ શાહ, આબિદ શેખ જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ મિકી જોસેફ, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ સન્ની શાહ સહિત હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સોશિયલ ડિસ્ટન્સથી આવેદન સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી