ગોધરા,
મહિલા નેતૃત્વ ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પ્રદાન કરતી મહિલાઓના સન્માનનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના બી.આર.જી.એફ. ભવનના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતુબેન દેસાઇ, રશ્મિકાબેન પટેલ, ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા, ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિદ્યાબેન હરવાણી, એડવોકેટ ગૌરીબેન જોષી, અર્ચનાબેન સોનીનું જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય દિપિકા બેટીજી ઉપસ્થિત રહી સૌને પોતાના આશિર્વાદ આપ્યા હતાં.
મહિલા સન્માન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે, મહિલા અનામત આપવાનું શ્રેય ગુજરાતને જાય છે. સમાજમાં મહિલાઓનું દરેક ક્ષેત્રમાં પ્રતનિધિત્વ વધે તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તેમની શક્તિઓને પુરતો લાભ મળે તેવો ઉદ્દેશ રાજ્ય સરકારનો રહ્યો છે. આ ઉપરાંત સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સામાજિક, શૈક્ષણિક તથા રોજગારી ક્ષેત્રોમાં મહિલાઓને આગળ લાવવાના સ્તુત્ય પ્રયાસો કર્યા છે. ઉપસ્થિત મહિલાઓને મહિલા નેતૃત્વ દિવસની શુભકામના પણ શ્રી જાદવે આપી હતી.
સમગ્ર મહિલા શક્તિને વંદન કરતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે મહિલા
સશક્તિકરણ પખવાડિયાનો હાર્દ સમજાવતા જણાવ્યું હતું કે, ઘર-પરિવારમાં અગ્રિમ ભૂમિકા
ભજવતી સ્ત્રી પોતાની શક્તિઓનો ઉપયોગ સમાજના ચોમુખી વિકાસ માટે કરે અને આગવું નેતૃત્વ પ્રદાન કરે તે માટે રાજ્ય સરકારે પખવાડિયાની ઉજવણી યોજી છે. તેમણે રાજકિય, અવકાશ, રમત ગમત સહિતના ક્ષેત્રોમાં નેતૃત્વ પ્રદાન કરતી મહિલાઓના ઉદાહરણો આ પ્રસંગે ટાંક્યા હતા.
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇ અને શ્રીમતી રશ્મિકાબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતાં. એડવોકેટ અર્ચનાબેન સોની અને ગૌરીબેન જોષીએ મહિલાઓને રક્ષિત કરતાં કાયદાઓનું માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સામજિક ક્ષેત્રે દાયિત્વ નિભાવતી મહિલાઓ, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મહિલા સદસ્યો, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મહિલા કર્મચારીઓ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ મહિલા અને બાળ વિકાસના પ્રોગ્રામ અધિકારીએ આટોપી હતી.