પંચમહાલ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ મિની લોકડાઉનની સ્થિતિમાં લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે દિશામાં સરકારી તંત્ર અને સામાજીક સંસ્થાઓ કામગીરી કરી રહી છે. હવે કોલેજના વિદ્યાર્થીઓ પણ મિની લોકડાઉનની સ્થિતિમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે ગોધરા રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.
કોરોના વૈશ્વિક મહામારીમાં જ્યારે લોકો ફક્ત અને ફક્ત પોતાનું અને પોતાના પરિવારના જીવનને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે આવા કપરા સંજોગોમાં કોલેજમાં અભ્યાસ કરતા ભાવિનભાઈ અને તેમના મિત્રોના ગ્રૂપ દ્વારા રક્તની જરૂરિયાત ધરાવતા લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. થેલેસેમીયા જેવા ગંભીર રોગથી પીડાતા વ્યક્તિઓ માટે રક્તને અમૃત માનવામાં આવે છે, ઉપરાંત લોહીની જરૂરિયાતવાળા અન્ય દર્દીઓને સરળતાથી રક્ત મળી રહે તે હેતુથી આશરે 30 યુવાનોએ ગોધરા રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કર્યું હતું, ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના લોકોને બ્લડની જરૂરિયાત ઊભી ન થાય તે માટે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકીએ રક્તદાન કરવા આવેલ નવયુવાનનાં આ ઉત્તમ કાર્યને વધાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી