કોરોના સંક્રમણ અને વૈશ્વિક મહામારીની બીજી લહેરે સમગ્ર દેશને પોતાના ભરડામાં લીધો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ દિન પ્રતિદિન વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. રાજ્યમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ શહેરો અને ગામડાઓમાં જોવા મળી રહી છે. લોકો પોતાના પરિવારના સ્વજનને બચાવવા માટે હૉસ્પિટલના બેડ અને રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે સવારથી સાંજ સુધી લાઈનો લગાવી ઉભા રહ્યા છે. તેમાં પણ આ બીજી લહેરમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે જે રીતે લોકો લાંબી લાઈનો અને કાળા બજારનો ભોગ બની રહ્યા છે તે આપણા તંત્ર માટે લાલબતી સમાન છે. ત્યારે હાલમાં ચાલી રહેલી કોવિડ-19 ની વૈશ્વિક મહામારીની સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર મળી રહે તે બાબતે ખાનગી હોસ્પિટલને કોવિડ સેન્ટરોમાં ફાળવવામાં આવ્યા છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો અભાવ અને પૂરતા પ્રમાણમાં ન હોવાથી દર્દીઓ સારવાર માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે પંચમહાલ જિલ્લામાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે માટે ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંચમહાલ જિલ્લાના નાગરિકો વતી રજૂઆત કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી