કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ જાગૃતિ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આજે ગોધરાના ભુરાવાવ ચોકડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકી અને પોલીસ વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ભુરાવાવ ચોકડી પાસે ખાતે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે આજથી શરૂ કરાયેલ અભિયાન તથા નિઃશુલ્ક માસ્ક વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકી ભુરાવાવ ચોકડી વિસ્તાર ખાતે આવતા રાહદારીઓ અને વાહનચાલકોને કોરોના અંગે જાગૃત થવા પ્રતિજ્ઞાા લેવડાવી હતી. સાથે સાથે નાગરિકોને માસ્કનું વિતરણ પણ કરી કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક એ જ ઉત્તમ ઉપાય છે તેવો સંદેશો પણ પાઠવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે વાહનચાલકો અને નાગરિકો મોટી સંખ્યામાં કામકાજ અર્થે આવતા હોઈ તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે હેતુથી નિઃશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આવતા જતા નાગરિકો અને વાહનચાલકોને હું માસ્ક અવશ્ય પહેરીશ, સામાજીક અંતર જાળવીશ, હું જાહેરમાં થૂંકીશ નહી અને વારંવાર હાથ ધોઈશ તેવા સંકલ્પ લીધા હતા. આ માસ્ક વિતરણ અભિયાનમાં ભાજપના કાર્યકરોમાં પવનભાઈ સોની મનોજભાઈ પટેલ શાન્તિલાલ પરમાર નરેન્દ્રભાઈ પરમાર અને પોલીસ વહીવટી તંત્ર હાજર રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી