કોરોના સંક્રમણ સામે સુરક્ષાના ભાગરૂપે રસીકરણની ઝુંબેશ તીવ્ર બનાવવામાં આવી છે, જે અંતર્ગત સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને તબક્કાવાર તમામ નાગરિકોને રસી આપવાનું અભિયાન પ્રગતિમાં છે. જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓને પણ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે.
આજે ગોધરા વન વિભાગ કચેરી ખાતે ગોધરા વન વિભાગના કર્મચારીઓનું પણ રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. ડી.સી.એફ મુરારીલાલ મીણાની આગેવાની હેઠળ આ નિમિત્તે ૮૦ થી વધુ વન કર્મીઓ-અધિકારીઓએ રસી લઇ પોતાને કોરોના સામે સુરક્ષિત કરવાની દિશામાં મહત્વનું પગલુ ઉઠાવ્યું હતું. ડી.સી.એફ. એ આ અંગે જણાવ્યું હતું કે સામૂહિક પ્રયાસો અને શિસ્તથી જ કોરોનાને હરાવી શકાશે તેથી સરકાર દ્વારા અપાતી સૂચના અનુસાર અચૂકપણે રસી લેવી જોઈએ અને અન્યોને પણ એ માટે પ્રેરિત કરવા જોઈએ. લાયક ઠરતા સૌકોઈ લાભાર્થીઓને નિઃશંકપણે રસીકરણ માટે આગળ આવવા અને એ રીતે કોરોના સામેની લડાઈમાં સહયોગ કરવા તેમણે અપીલ કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી