આજે ગોધરા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં છે જેમાં જનતા જનાર્દને ફરી ગોધરામાં ભગવો લહેરાવ્યો છે. ગોધરામાં ચાર વોર્ડમાં પણ 14 સીટ મેળવી ભાજપનો વિજય થયો છે. ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા ઠેર-ઠેર જશ્નનો માહોલ જોવા મળ્યો છે. ગોધરાનાં મત ગણતરી સેન્ટર ગદુકપૂર આવેલ પોલિટેકનીક કોલેજ ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકોનો જમાવડો રહ્યો હતો. જીતેલા ઉમેદવારોનાં નામ જાહેર થતાં કાર્યકરો ઢોલ-નગારા, બેન્ડ-બાજા અને ડી.જે નાં તાલે ઝૂમી ઉઠ્યાં હતાં સાથે જ ઉમેદવારોએ પણ જીતનો જશ્ન મનાવ્યો હતો.
ગોધરા નગર પાલિકામાં વોર્ડ નં. 1, 2, 3, 4 માં ભાજપની પેનલે વિજય મેળવ્યો હતો. ગોધરામાં ભાજપનાં 14 ઉમેદવારોએ બાજી મારી છે. ગદુકપૂર આવેલ પોલિટેકનીક કોલેજ ખાતે જીતેલા ઉમેદવારોને સમર્થકોએ ફુલડે વધાવી જીતનો જશ્ન મનાવ્યો હતો તો ક્યાંક ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. ભાજપનાં ઉમેદવાર રમીલાબેન શાંતિલાલ સોલંકીએ જીત મેળવતા કેમ્પસમાંથી બહાર નીકળતા જ પરિવારને ભેટ પડ્યાં હતાં. આ દરમિયાન તેમની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં હતાં. તો ભાજપનાં ઉમેદવાર જીતુભાઈ સાવલાણી, રાકેશભાઈ રાણા, ભારતીબેન પટેલે પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી. વોર્ડ નં. 4 ના ઉમેદવારોનાં નામ જાહેર થતાં સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમર્થકો દ્વારા આતશબાજી અને ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી.
પંચમહાલ રાજુ સોલંકી