પંચમહાલ જીલ્લામાં ગોધરા તાલુકાના છેવાડે આવેલા નદીસર ગામે આઈ.ટી.આઈ સંસ્થાની નકલી માર્કશીટો કાઢવાના કૌભાંડનો ગોધરા એસ.ઓ.જી શાખાએ પર્દાફાશ કરીને બે યુવકો સાથે નકલી માર્કશીટો, લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના નદીસર ગામે શહેરા તાલુકામાં આવેલ રેણા (મોરવા)આઈ.ટી.આઈ સંસ્થાની બોગસ માર્કશીટો અને પ્રમાણપત્રો કેટલાક ઇસમો બનાવીને આર્થિક લાભ મેળવી રહ્યા હોવાની બાતમી મળતા એસ.ઓ.જી શાખાએ નદીસર ગામે ઉદલપુર રોડ ઉપર આવેલા ગીંતાજલી સ્ટુડીઓ ઉપર રેડ કરી હતી. જ્યાં તપાસ હાથ ધરતા મોરવા (રેણા) સંસ્થાની ૧૭ જેટલી નકલી માર્કશીટો મળી આવી હતી.એસ.ઓ.જી.એ આ નકલી માર્કશીટ બનાવાના કાવતરામાં સામેલ બે યુવકો દિગ્વિજયસિંહ લાકોડ અને સગ્રામસિંહ રાઠોડની અટકાયત કરી હતી.એસ.ઓ.જી.ની ટીમે માર્કશીટોની સાથે સાથે લેપટોપ,પ્રિન્ટર, સ્કેનર મળી કુલ ૨૪,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી