કોરોનાની વૈશ્વિક સમસ્યાઓને લઈ પંચમહાલ જિલ્લાના ગોધરામાં રોજનું કમાઈ ખાતા રિક્ષાચાલકો, માલવાહક હાથલારી ચલાવતા વર્ગને આર્થિક મદદરૂપ થવા અને તેમને લીધેલ સાધનોની લોનમાં રાહત અને આગામી છ માસ સુધી આર્થિક સહયોગ મળી રહી તે માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાં મુખ્ય સચિવને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે. કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોજનું કમાઈ ખાતા રિક્ષાચાલકો, નાનામાલ વાહકો અને હાથલારી ચલાવતા વર્ગની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે. જે સમગ્ર જિલ્લામાં આવા વર્ગના લોકો વિશાળ સંખ્યામાં રહે છે અને મુશ્કેલીઓ વેઠી રહ્યા છે આવા લોકોને ત્વરિત આર્થિક સહાય પેકેજ જાહેર કરી મદદરૂપ થવા ઉપરાંત આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ પોતાના પરિવારનાં ભરણપોષણ માટે લોન લઈ સાધન વસાવ્યું હતું. ત્યારે કોરોના વાઇરસની આર્થિક સ્થિતિ અને લોકડાઉનનાં કારણે છેલ્લા ૫૦ દિવસથી ધંધો રોજગાર ઠપ થઈ ગયો છે અને આગામી સમય સુધી પણ આજ પરિસ્થિતિ રહેશે જેથી પોતાની રોજગારી માટે લીધેલ લોન માટે રાહત આપી આગામી છ માસ સુધી લોનના હપ્તા ભરવા માટે રાહત મળે તે માટે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસનાં પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગરનાં મુખ્ય સચિવને આવેદનપત્રનાં માધ્યમથી રજૂઆત કરેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી