ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણને નિયંત્રણ હેઠળ લાવવાના હેતુથી સમગ્ર નગરપાલિકા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ વધારાના નિયંત્રણો અમલમાં મૂકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ગોધરા શહેરમાં વધુ સંખ્યામાં કોવિડ-19 સંક્રમણના કેસો મળી આવતા લોકોની અવર-જવરને નિયંત્રિત કરી સંક્રમણની શક્યતા ઘટાડવાના હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધી એપીડેમિક ડિસીઝ એક્ટ-1897 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34 હેઠળ મળેલ સત્તાની રૂએ ગોધરા નગરપાલિકા હદ વિસ્તારમાં તા.17 મી મે, 2020 સુધી વધુ કડક નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ગોધરા શહેરી હદ વિસ્તારમાં દૂધ વિતરણ પાર્લર, દવાની દુકાનો, એલ.પી.જી વિતરણ કેન્દ્રો, પેટ્રોલ પંપો, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો (પીડીએસ), ક્લીનીક તથા હોસ્પિટલો સિવાયની તમામ દુકાનો, પાર્લરો, ખાનગી ઓફિસો, સેવાઓ બંધ રાખવાની રહેશે. આ હુકમ તા.10/05/2020થી તા.17/05/2020 સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 58ની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.
પંચમહાલ રાજુ સોલંકી