પંચમહાલ જિલ્લામાં કોરોના સામેની લડાઈમાં એક રાહતના સમાચાર આવ્યા છે. ગોધરા સિવિલ ખાતે આજે કોવિડ-19 માંથી સાજા થયેલા બે દર્દીઓને હર્ષોલ્લાસપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જનશ્રી એમ.પી.સાગરે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલામાં આ બંને વ્યક્તિઓના કોવિડ-19 ટેસ્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગોધરાના ઝુલેલાલ સોસાયટીના 23 વર્ષીય યુવક તા.15/04/2020ના રોજ અને શહેરા ભાગોળ, ડબગરવાસના 33 વર્ષીય યુવાન સંક્રમણને પગલે તા.18/04/2020ના રોજ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બંને યુવાનોને કોવિડ-19 ના બે ટેસ્ટ અને ચેસ્ટના એક્સ-રે બાદ સિવિલ સર્જનશ્રી, ડોક્ટર્સ તેમજ સિવિલના સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટ વચ્ચે રજા આપવામાં આવી હતી.બંને યુવાનોએ ડોક્ટર્સ અને સિવિલ સ્ટાફનો આ મહામારીને હરાવવામાં સહયોગ આપવામાં બદલ ભાવુક થઈ આભાર માન્યો હતો. આ પ્રસંગે સિવિલ સર્જનશ્રીએ જણાવ્યું હતું કે આ બંને દર્દીઓ કોવિડ-19 ના સંક્રમણને હરાવી સાજા થયા ત્યારે અમને ડોક્ટર્સને અમારી મહેનત રંગ લાવી હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં સુધી સિવિલમાં દાખલ છેલ્લો કોરોનાગ્રસ્ત વ્યક્તિ સાજો થઈ પાછો નહીં જાય ત્યાં સુધી તમામ ડોક્ટર્સ અવિરત મહેનત કરતા રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. બંને દર્દીઓને અભિનંદન આપતા તેમણે જરૂર પડ્યે પ્લાઝમા ડોનર બનવા અપીલ કરી હતી. જેનો બંને યુવકોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. યુવાનો ઘરે પહોંચ્યા ત્યારે આસપાસના લોકોએ પણ કોરોનાને પછાડ આપનાર આ યુવકોનું થાળી અને તાળીથી સ્વાગત કર્યું હતું. આ બંને યુવાનોએ હવે સાવચેતીના ભાગરૂપે 14 દિવસ પોતાના ઘરમાં જ ક્વોરેન્ટાઈન થવાનું રહેશે.
પંચમહાલ રાજુ સોલંકી