વિજયસિંહ સોલંકી, ગોધરા
સમગ્ર વિશ્વમાં ૮ મી મેં ના રોજ થેલેસેમિયા દિવસ અને રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. ગોધરા નગરની સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ બ્લડબેંક ગોધરા ખાતે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓના સભ્યો વહેલી સવારે ૮.૦૦ કલાક થી રક્તદાન કરવા માટે આવી ગયા હતા. આ કેમ્પમાં ગોધરા નગરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ જેવી કે ગોધરા મેડીકલ એસોસીયેશન, આયુર્વેદિક હોમિયોપેથી પ્રેકટીશનર એસોસીયેશન, સપ્તક ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા, મેડીકલ રી પ્રેઝન્ટેટીવ એસોસીયેશન, ગાયત્રી પરિવાર, હ્યુંમેનીસ્ટ રેશનાલીસ્ટ એસોસીયેશન, રેડક્રોસ સોસાયટી ગોધરા વગેરે જોડાયા હતા. આ સંસ્થાઓના ડોકટરો, સભ્યો અને જાગૃત નાગરિક મહિલાઓ મળી ને કુલ ૩૪ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું. સાથે સાથે રેડક્રોસ હોલ ખાતે થેલેસેમિયા અને રક્તદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો અને ફિલ્મ શો પણ રાખવામાં આવ્યા હતા. ડો સુજાત વલી દ્વારા થેલેસેમિયા જાગૃતિ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેઓએ થેલેસેમિયાને રોકવા અંગે સમાજ આપતા જણાવ્યું હતું કે. લગ્ન પહેલા “જન્મ કુંડળી નહિ પણ થેલેસેમિયા ટેસ્ટ મેચ કરવાની જરૂર છે” કાર્યક્રમમાં ૧૨૬ વખત રક્તદાન કરનાર હોતચંદ ધમવાની પણ લોકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ પ્રોત્સાહિત થઇને વિદ્યાર્થીઓએ પણ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં ગોધરા નગરની મહિલાઓ, ડોકટરો, સેવાભાવી સંસ્થાના પદાધિકારીઓ, ગોધરાનગરના જાગૃત નાગરિકો, વિદ્યાર્થીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.