પંચમહાલ જિલ્લામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની કુલ સંખ્યા 20 થવા પામી છે. ગઈકાલે રાત્રે વધુ 4 કેસો પોઝિટિવ મળતા સક્રિય કેસોની સંખ્યા 18 થઇ છે. ગઈ કાલે રાત્રે શહેરા ભાગોળ વિસ્તારની કોરોનાગ્રસ્ત યુવતીના પરિવારના 4 સભ્યોનો કોવિડ-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, જેના પગલે પરિવારના સૌ સભ્યોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી ગોધરા શહેરમાંથી કુલ 20 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે પૈકી 10 ગોધરા સિવિલ ખાતેની કોવિડ-19 હોસ્પિટલમાં, 6 વ્યક્તિઓ વડોદરાની ગોત્રી હોસ્પિટલ અને 2 વ્યક્તિઓ વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. 7 વ્યક્તિઓ કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. હાલની સ્થિતિએ જિલ્લામાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યા 1949 છે, જે પૈકી 1408 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો પૂર્ણ થયો છે જ્યારે 541 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો ચાલુ છે. કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ 613 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે શહેરના 1066 ઘરોના કુલ 4,273 વ્યક્તિઓને કલસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તમામ ક્લસ્ટર વિસ્તારોમાં આજ દિન સુધી 2950 જેટલા ટ્રિપલ લેયર માસ્ક અને 695 સર્જિકલ ગ્લોવ્ઝનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરાની ગોત્રી અને એસએસજી કોવિડ હોસ્પિટલના નિષ્ણાંતોની એક ટીમે જિલ્લાના અધિકારીઓ સાથે ગોધરાના કન્ટેઈનમેન્ટ વિસ્તારોની મુલાકાત લઈ વધુ અસરકારક વ્યવસ્થા બાબત ચર્ચા કરી હતી. ગોધરામાં હવે સંક્રમણને ધ્યાનમાં રાખીને શહેરના તમામ શાકભાજી વિક્રેતાઓ, કરિયાણા વિક્રેતાઓ એન્ડ કેમિસ્ટોનું થર્મલ સ્કેનિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. ૩ આરોગ્યકર્મી અને ૧ પાલિકા કર્મચારીની ટીમ બનાવીને લોકોના વધુ સંપર્કમાં આવતા આ વેપારીઓની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના કુલ ૬૪૪ વેપારીનું થર્મલ સ્કેનિંગ કરી લક્ષણો, શરીરના તાપમાન અંગે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, ૬૦ વર્ષથી વધુ વયના લોકોની તપાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી