હાલ લોક ડાઉનની સ્થિતિને લઈને અનેક જગ્યાઓ છે જેને માઠી અસર પહોંચી છે ત્યારે રાજ્યમાં આવેલી બ્લડ બેન્કોની સ્થિતિ બ્લડ ડોનેશન ઓછું થવાને લઈને પણ હાલ નાજુક બનવા પામી છે, ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં પણ બ્લડ યુનિટની હાલની માંગ સામે ઓછા બ્લડ યુનિટનો જથ્થો છે
ત્યારે આજે ગોધરાના બામરોલી સમ્રાટ નગરની પાસે માં ગાયત્રી નગરના રહીશો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની મહામારીને લઈને દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે ત્યારે આ લોક ડાઉનને લઈને બ્લડ બેન્કોમાં રક્ત દાતાઓની સંખ્યા ઓછી થતા બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જવા પામી છે ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં હાલના સમયમાં રોજીંદી ૫૦ યુનિટ રક્તની માંગ સામે બ્લડ બેંક પાસે માત્ર ૨૦૦ યુનિટ જ રક્ત છે. પંચમહાલ જીલ્લામાં થેલેસીમિયા તેમજ સગર્ભા સ્ત્રી માટે હાલ રક્તની રોજીંદી વધુ પડતી જરૂરીયાતને પહોંચી શકાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા પંચમહાલની જનતાને અપીલ કરવામાં આવી હતી કે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ રાખી લોકો આ સમાજ ઉપયોગી કામમાં આગળ આવે અને રક્તદાન કરે આ અપીલને એક ફરજ સમજી આજે ગોધરાના બામરોલી રોડ પર આવેલ સામ્રાટનગરની પાસે આવેલ ગાયત્રી નગરના રહીશો દ્વારા 3૦ યુનિટ ઉપરાંતનું રક્ત દાન કરવામાં આવ્યું હતું.
રક્ત દાન માટે ફાળવવામાં આવેલા અલગ અલગ સમય પ્રમાણે રહીશો દ્વારા બ્લડ બેન્ક વેન પર પહોંચી રક્ત દાન કરી આજના આ કપરા સમયમાં સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં જીલ્લા કલેકટર ,જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી દ્વારા નાગરિકો દ્વારા કરવામાં આવેલા રક્તદાનને બિરદાવ્યું હતું. આ રક્તદાનમાં મોટા ભાગે પહેલી વાર રક્તદાન કરનારા લોકોની સંખ્યા હતી એમાં પણ નારીશક્તિ પણ આગળ આવી રક્તદાન કર્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : બામરોલી રોડ વિસ્તારની ગાયત્રી સોસાયટીનાં રહીશોની માનવતા, રક્તદાન કરી ૩૦ બોટલ રક્ત એકત્ર કર્યુ.
Advertisement