ગોધરા,
પંચમહાલ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ દ્વારા જિલ્લાના મહેસુલી અને ફોજદારી કેસોના નિકાલ માટે વધુ એક નવિન પહેલ કરવામાં આવી છે. સપ્તાહના ચોક્કસ દિવસ ગુરૂવારને નિયત કરી પારદર્શક પધ્ધતિથી સમય મર્યાદામાં નિકાલ કરી ન્યાય આપવાની પ્રથાનો અમલ શરૂ કર્યો છે.
છેવાડાના માનવીને વહીવટી પ્રક્રિયાની ગુંચવણોમાંથી મુક્તિ મળે અને સરળતાથી ન્યાય મળે તે માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઓપન કોર્ટ રાખી પક્ષકારોને સાંભળી સુનાવણી કરવામાં આવી હતી તેમજ જજમેન્ટ આપવામાં આવ્યા હતાં. આ ન્યાયિક પ્રક્રિયામાં, આર.ટી.એસ. અપીલના ૧૭ કેસો, આદિવાસીઓના હક્કો તથા બીનખેતીના પ્લોટોના વેચાણના જમીન મહેસુલ કાયદાની કલમ-૭૩એએની જોગવાઇ હેઠળના ૦૮ કેસો, સીટી સર્વેમાં પ્રોપર્ટી કાર્ડમાં થયેલ નોંધોની તકરારની (સી.ટી.એસ.) અપીલના ૦૬ કેસો, ફોજદારી કાર્યરીતી હેઠળ પરવાનાની માગણી અને અન્ય સુનાવણીના ૦૪ કેસો મળી કુલ ૩૫ કેસોની સુનાવણી યોજાઇ હતી. આ સમગ્ર ન્યાયિક પ્રક્રિયાને પક્ષકારોએ ઉમદા ગણાવી હતી તેમજ સમયની થયેલી બચતને બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ જિલ્લા કલેકટર દ્વારા નાની બચતના એજન્ટોના અને હથિયારોના પરવાના એક સાથે એક જ દિવસમાં પારદર્શક રીતે આપવામાં આવ્યાં હતાં.