ગોધરા, રાજુ સોલંકી
ગોધરાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલ અને વહીવટી કચેરીનું
ઉદ્ઘાટન ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી, જિલ્લા સમાહર્તા શ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું. સ્વિમિંગ પુલનું નવિનીકરણ કરી આધુનિક બનાવવામાં આવ્યો છે. જ્યારે ખેલાડીઓની સુવિધાઓ, વિવિધ રમતોના આયોજન અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સની દેખરેખ અને નિભાવણી માટે નવિન વહીવટી કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગોધરાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય રમતો માટે અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ઇન્ડોર અને આઉટડોર રમતો રમી શકાય તેમજ રમતોનું કોચિંગ થઇ શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તરણ સ્પર્ધાઓ માટેના સ્વિમિંગ પુલને આધુનિક બનાવવા રૂા. ૨૧.૨૦ લાખના ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આગામી સમયમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન, બાસ્કેટ બોલ કોર્ટની પ્રોટેક્સન વોલ, એલ.ઇ.ડી. લાઇટ હાઇમાસ પોલ, કમ્પાઉન્ડ વોલ જેવી સગવડો પણ ઉભી થનાર છે.
અહીંના સ્વિમિંગ પુલ માટે મહિલા કોચ કિરણ ટાંકની નિયુક્તિ પણ કરવામાં આવી છે. જેઓ ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે તેમજ તેમણે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ જેવી ૧૦ ઇન્ટરનેશનલ ઇવેન્ટની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રી સમરસિંહભાઇ પટેલ, નાયબ કલેકટર શ્રી અનિલ પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એસ.જી.જૈન, સિનિયર કોચ શ્રી પ્રતાપ પસાયા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં.