ગોધરા, રાજુ સોલંકી
દિવડા કોલોનીના કડાણા વિભાગ નં.૧ ના કાર્યપાલક ઇજનેરની સમાચાર યાદીમાં જણાવ્યાં મુજબ વર્ષ ૨૦૧૮ ની રવિ મોસમ માટે કડાણા ડાબા કાંઠા અને જમણા કાંઠા નહેર દ્વારા જે બાગાયતદારો સિંચાઇનો લાભ લેવા માગતા હોય તેમણે તા.૩૧/૧૨/૨૦૧૮ સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજીમાં સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ સંપૂર્ણ હકીકત પુરેપુરી ભરી નજીકની સેક્શન કચેરીએ રજૂ કરવાની રહેશે. કોરા અરજી ફોર્મ સેક્શન કચેરીએથી વિના મૂલ્યે મળી રહેશે. પાણી મેળવવાની મુદત તા.૧૬/૧૦/૨૦૧૮ થી તા. ૧૫/૦૩/૨૦૧૯ સુધીની રહેશે.
નહેર/માઇનોર/વોટર કોર્સ પરના લાભિત બાગાયતદારોમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા વિસ્તારના બાગાયતદારોએ સિંચાઇના પાણી મેળવવા અરજી કરી હશે તેમને સિંચાઇના પાણી આપવામાં આવશે. પિયત વિસ્તારો માટે સિંચાઇના પાણી આપવા કે નહિ તેનો નિર્ણય નહેર અધિકારીને આધિન રહેશે. મંડળીને પાણી આપવા પ્રથમ પ્રાધાન્ય અપાશે. આગોતરા પિયાવાની બાકી રકમ પ્રથમ ભરપાઇ કરવાની રહેશે. પાછલા પિયાવાની બાકી રકમ ભર્યા બાદ નવી અરજી સ્વિકારવામાં આવશે જેની બાગાયતદારોને ખાસ નોંધ લેવા આ સમાચાર યાદીમાં જણાવ્યું છે.
આ ઉપરાંત સિંચાઇ માટેના ઢાળિયાને વ્યવસ્થિત રીતે સાફ રાખવાની જવાબદારી ખાતેદારની રહેશે. પાણી લેવાના સમયે ઢાળિયા સાફ સફાઇ થયેલા ના હશે તો પાણી આપવાનું બંધ કરી શકાય છે. પોતાના ખેતરમાંથી નિકળતા ઢાળિયામાંથી બીજા ખેડૂતોને પાણી મળી રહે તે માટે પાણી વહેવા દેવુ આમ છતાં બીન જરૂરી હસ્તક્ષેપ કરનાર ખેડૂત સામે કાર્યવાહી કરવામાં આવશે.