ગોધરા, રાજુ સોલંકી
સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની કામગીરી કરતી કચેરીનું પંચમહાલ જિલ્લા સમાહર્તા શ્રી ઉદીત અગ્રવાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કચેરી શરૂ થવાથી પંચમહાલ સહિત દાહોદ અને મહિસાગર જિલ્લામાં વસવાટ કરતાં તમામ પૂર્વ સૈનિકો, પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ અને સેવારત સૈનિકોને હવે તેમના કામ અર્થે વડોદરા સુધી જવું નહિ પડે.
સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગુજરાત રાજ્યના નિયામક મેજર શ્રી વિક્રમસિંહ જાડેજાએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગોધરા તાલુકાના લીલેસરા ખાતે ૮,૩૨૫ ચો.મી. જમીન વહીવટી કામગીરી, સી.એસ.ડી. કેન્ટીન, બોઇઝ હોસ્ટેલ, પોલીક્લીનીક, રેસ્ટ હાઉસ જેવી બહુલક્ષી સેવાઓ તમામ પૂર્વ સૈનિકો, પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ અને સેવારત સૈનિકોને પૂરી પાડવા ફાળવવામાં આવી છે.
કલેક્ટરશ્રી ઉદીત અગ્રવાલે આ કાર્યમાં તમામ વહીવટી સહાય આપવા ખાત્રી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી, વડોદરા શ્રી અનુપ રૉય, મદદનીશ અધિકારી શ્રી એસ.આઇ. મહેતા અને ગોધરા જિલ્લાના માજી સૈનિકો ઉપસ્થિત રહ્યાં હતાં.