ગોધરા રાજુ સોલંકી
આરોગ્ય અને શિક્ષણ વિકાસના મહત્વના પરિબળો છે. ગામમાં ફક્ત ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થવાથી વિકાસની પરિભાષા પરિપૂર્ણ થતી નથી. સાચા વિકાસ માટે ગામની પ્રત્યેક વ્યક્તિ શિક્ષિત હોય સાથે તંદુરસ્ત હોય તે જરૂરી છે. તેમ મોરવા (હ) તાલુકાના દેલોચ ગામની રાત્રિ સભામાં ઉપસ્થિત ગ્રામજનોને પંચમહાલ જિલ્લા સમાહર્તા શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
તેમણે આરોગ્ય અને શિક્ષણ સાથે સ્વચ્છતાને સીધો સંબંધ હોવાનું જણાવતાં કહ્યું હતું કે, શિક્ષિત વ્યક્તિને સ્વચ્છતાની સમજ સાથે પોતાના આરોગ્યની યોગ્ય જાણવણી કરશે. જેથી બિમારીઓની સારવારમાં થતાં અનાવશ્યક ખર્ચને બચાવી શકશે. તેમણે ખેતી, પશુપાલન સહિત અન્ય યોજનાકીય લાભો મળવા, સમસ્યાઓ અને લાગણીઓ રજુ કરવા ગ્રામજનોને જણાવ્યું હતું અને ઉમેર્યુ હતું કે આપના સ્થાનિક પ્રશ્નો, લાગણીઓ અને સમસ્યાઓને સમજી તે મુજબના લાભો અને સુવિધાઓ આપવાનું આયોજન કરવામાં આવશે અને વહેલી તકે તેનો ઉકેલ આણવામાં આવશે.
રાત્રિ સભામાં ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની ઘટની આપૂર્તિ કરવાની રજુઆત કરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે, જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી સંબંધે પોલીસ દ્વારા પુરતાં સહયોગની ખાતરી આપવા સાથે મહિલા પોલીસ સ્ટેશનની કાર્ય પધ્ધતિ અને સહાયિત સેવાઓની જાણકારી આપી હતી. તેમણે ૧૮૧ અભયમ સેવાની વિગતો પણ આપી હતી. તેમણે હાલમાં વધતા જતા સાઇબર ગુનાઓથી ગ્રામજનોને આગાહ કરતાં જણાવ્યું હતું કે, એ.ટી.એમ. સંબંધી અને બેંક ખાતાની માહિતી માટે આવતા ફોન કોલ્સ પ્રત્યે સજાગ રહેવા અને પુરતી ખાતરી કર્યા વગર કોઇપણ માહિતી ન આપવા જણાવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી.જૈને આરોગ્યની યોજનાઓની માહિતી આપતા મા અમૃતમ અને મા વાત્સલ્ય તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાની જાણકારી આપી હતી. સાથે બાળકોને રસી મુકાવવા, દિકરીના લગ્ન ૧૮ વર્ષની ઉંમર થયા પછી કરાવવા, ૧૮ વર્ષ સુધીના જન્મજાત ખોડ ધરાવતા બાળકોને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને રાષ્ટ્રિય બાળ સુરક્ષા હેઠળ વિનામૂલ્યે મળતી આરોગ્ય સારવારની માહિતી આપી હતી.
દેલોચ ગામના ૧૪ વરિષ્ઠ નાગરિકોને ઇન્દિરા ગાંધી પેન્શન યોજનાના હુકમો, ૦૪ દિવ્યાંગોને સમાજ સુરક્ષાની અને ૦૪ મહિલાઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કીટની સહાયનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમજ સાથેની વિગતો ગ્રામજનોને આપવામાં આવી હતી.
દેલોચની રાત્રિ સભામાં, નિવાસી અધિક કલેકટર શ્રી મહેન્દ્ર નલવાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,શ્રી વિક્રમભાઇ ડિંડોર, મોરવા (હ) તાલુકા પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, જિલ્લા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.