ગોધરા, રાજુ સોલંકી
ગોધરાના બી.એ.પી.એસ.ના સ્વામીનારાયણ મંદિર પરિસરમાં સંત શ્રી કોઠારી સ્વામીના આશિર્વાદ સાથે પંચમહાલ જિલ્લામાં ગુણવત્તા સભર આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધિ હેતુ જિલ્લા-તાલુકાના તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓનો એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં પ્રસુતા આરોગ્ય, શિશુ આરોગ્ય, પોષણ, રસીકરણ, સગર્ભાવસ્થામાં પાંડુરોગ, ઓછા વજનના બાળ જન્મ, ટી.બી., એચ.આઇ.વી., રક્તપિત્ત જેવા રોગચાળા, જાતિ જન્મ દર, માનસિક આરોગ્ય, બીનચેપી રોગો અને ફેમિલી પ્લાનીંગ જેવા ૧૧ મુદ્દાઓની અસરકારક કાર્યવાહી માટે અને જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી આરોગ્ય સેવાઓનો પુરતો લાભ પહોંચાડવા દ્વિમાર્ગીય સંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી કોઠારી સ્વામીએ આશિર્વચનમાં જણાવ્યું હતું કે સામેની વ્યક્તિને સુખી કરવાની ભાવના ધરાવતી વ્યક્તિ પોતે પણ સુખી થતી હોય છે. મંદિરના દિવ્ય વાતાવરણમાં યોજાયેલા આ પરિસંવાદની દિવ્યતાને જિલ્લાના એકેએક લાભાર્થી સુધી આપના થકી પહોંચાડી સમાજની સેવા કરવામાં આપ સૌનો ફાળો રહેશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચૌધરીએ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડી જિલ્લાને રાજ્ય અને દેશભરમાં અગ્ર ક્રમે રાખવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી.જૈન દ્વારા પરિસંવાદનો હેતુ અને ૧૧ મુદ્દાઓ પરત્વે જિલ્લામાં કરવાની કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.
આર્ટ ઓફ લીવિંગના શ્રી નરેશભાઇએ કામના ભારણ વખતે માનસિક સંતુલન અને મનની શાંતિ રાખવાના યોગ ઉપસ્થિતોને કરાવ્યાં હતાં.
નેશનલ હેલ્થ મિશનના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામ અંતર્ગત યોજાયેલા એક્શન સેમિનારનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ સેમિનારમાં ડો. હર્ષ શાહ, ડો. પરમાર, ડો. શ્યામસુંદર, શ્રી મેકવાન સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં. આભાર વિધિ ડો. પી.કે.શ્રીવાસ્તવે કરી હતી.