ગોધરા રાજુ સોલંકી
પ્રજાની સમસ્યાઓને ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામે રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં પીવાના પાણી, વિજળી આવાસ જેવા લોક પ્રશ્નોનું હકારાત્મક રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
દિવસ દરમિયાન દરેક વ્યક્તિ, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીકામ, મજુરી જેવા આર્થિક ઉપાર્જન તેમજ સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની રજુઆત માટે સમય ફાળવી શકતો નથી. દિવસભરની બધી જ પ્રવૃત્તિઓથી પરવારી રાત્રિના સમયે પડતર પ્રશ્નો અને સમસ્યાઓને સારી રીતે વાચા આપી શકે તે માટે રાત્રિ સભાઓ યોજવામાં આવે છે તેમ જણાવતા ગોધરા પ્રાંત અધિકારી શ્રી વિશાલ સક્સેનાએ લાડપુરની રાત્રિ સભાનો પ્રારંભ કરાવ્યો હતો.
લાડપુરના ગ્રામજનોએ, નર્મદા યોજના આધારિત પીવાના પાણીની, ઓછા દબાણના અને અનિયમિત વીજ પુરવઠા, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ, જમીનની વારસાઇ, પાણીપત્રક, આવાસોનું જીઓ ટ્રેકીંગ શરૂ કરવા, શાળાના જર્જરિત ઓરડા, આંગણવાડીના મકાન, ગ્રામ પંચાયત ભવનના દુરસ્તી કામ, આંતરિક રસ્તા, જંગલ જમીનોની સનદ મળવા જેવી સમસ્યાઓ રજુ કરી હતી.
જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સમરસિંહભાઇ પટેલ અને અગ્રણી શ્રી સરદારભાઇએ પણ ગામની સમસ્યાઓને ગ્રામજનો વતી રજુ કરી હતી.
રાત્રિ સભામાં તાલુકા કક્ષાના અધિકારીઓએ તેમના વિભાગને સંબંધિત ગ્રામજનોના પ્રશ્નોને હકારાત્મક રીતે ઉકેલવાની ખાત્રી આપી હતી. પ્રાંત અધિકારીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને આધાર કાર્ડના લીંક કરાવવા, વય વંદના યોજના, નિરાધાર વૃધ્ધ સહાય, વિધવા પેન્શન સહાય જેવી બાબતો અંગે ગ્રામજનોને સમજ આપી હતી.
જમીનોની વારસાઇ બાબતે ગોધરા મામલતદાર દ્વારા આગામી તા. ૨૨/૧૦/૨૦૧૮ના રોજ ગામ ખાતે કેમ્પ કરી બાકી રહેતી તમામ વારસાઇ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ગોધરા તાલુકા તબીબી અધિકારીએ ગ્રામજનોને સ્વાઇન ફ્લુ અને અન્ય રોગોના રક્ષણ માટેના ઉપાયો, સ્વચ્છતા વિશે અને આયુષ્યમાન ભારત યોજના વિશે જાણકારી આપી હતી.
મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના નાયબ કાર્યપાલક ઇજનેરે, વીજ સમસ્યાઓના નિરાકરણની ખાત્રી સાથે ખેતરની વાડમાં વીજ પ્રવાહ મુકવાના ગેરકાનૂની કામ ન કરવા અને તેનાથી થતા નુકશાનની સમજ ગ્રામજનોને આપી હતી.
લાડપુરની રાત્રિ સભામાં ગ્રામજનો સહિત તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા કક્ષાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.