Proud of Gujarat
GujaratFeaturedINDIA

પૂ. મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવણીગૃહ રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગોધરા ખાતે જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

Share


ગોધરા, રાજુ સોલંકી

ગૃહ, ઉર્જા, કાયદો અને ન્‍યાય તંત્ર રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્‍થિતિમાં પૂજ્ય મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવણીનો જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ તા. ૨જી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ગોધરા ખાતે યોજાયો હતો.
મહાત્‍મા ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા સત્‍ય, અહિંસા, સ્‍વચ્‍છતા જેવા અનેક સંકલ્‍પો કર્યા હતાં. જ્યાં સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતામાં માનતા ગાંધીજીએ મા ભારતીને ગુલામીની જંજીરોમાંથી અહિંસાના માર્ગે મુક્ત કરાવી હતી. વર્ષ ૨૦૧૪થી સમગ્ર દેશમાં સ્‍વચ્‍છતા પર્વ ઉજવણીના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કરેલા સંકલ્‍પને આપણે સૌ ચરિતાર્થ કરી પૂજ્ય બાપુના આદર્શને જીવનમાં ઉતારી સ્‍વચ્‍છતાને આપણો સ્‍વભાવ બનાવીએ. તેમ ગૃહ રાજ્ય મંત્રી અને પંચમહાલ જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાંધીજીની જન્‍મ જયંતિ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં અધ્‍યક્ષસ્‍થાનેથી જણાવ્‍યું હતું.
તેમણે જણાવ્‍યું હતું કે, બ્રિટિશ સલ્‍તનતની ગુલામીમાંથી અહિંસાની કઇ તાકાતથી મહાત્‍મા ગાંધીજીએ ભારત દેશને સ્‍વતંત્રતા અપાવી હતી તે જોવા અને જાણવા દેશ અને દુનિયામાંથી અનેક લોકો ગાંધી આશ્રમ આવે છે. હાલમાં ૩૦મી સપ્‍ટેમ્‍બરે ૬૦ દેશોના ૧૨૦ જેટલા પ્રતિનિધિઓનું ડેલીગેશન ગુજરાત આવ્‍યું હતું. તેમણે મહાત્‍મા કુટિર અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને મહાત્‍મા ગાંધીજીની મહાનતાના દર્શન કર્યા હતાં. ૨જી ઓક્ટોબર ગાંધીજીનો જન્‍મ નહિ પરંતુ વિશ્વમાં ગાંધી યુગની શરૂઆત આજના દિવસથી થઇ હતી તેમ ભાર પૂર્વક જણાવ્‍યું હતું.
વ્‍યક્તિને કેન્દ્રમાં રાખી, છુત અછુતથી ઉપર ઉઠી સમાજના છેવાડાના પ્રત્‍યેક વ્‍યક્તિનો વિકાસ થાય, તમામ હક્ક મળે એ માટે રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન ગાંધીજીની યાદગીરીરૂપ અનેક કાર્યક્રમો યોજશે તેમ જણાવતા ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રામ રાજ્યની કલ્‍પનાને સાકાર કરવા અને દેશ પ્રગતિના નવા નવા સોપાનો સર કરવા પ્રત્‍યેક જન જોડાય તેવી હાકલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દેશભરમાં ગુજરાતે નશાબંધીનો કડકમાં કડક અમલ કર્યો છે. નશાથી વ્‍યક્તિ સાથે તેનું કુટુંબ બરબાદ થઇ જતું હોય છે. આજથી શરૂ થતાં નશાબંધી સપ્‍તાહને સફળ બનાવવા મંત્રીશ્રીએ ભાર પૂર્વક અપીલ કરી હતી.
ગોધરાના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં, વૈષ્‍ણવ જન તો તેને રે . . ., રઘુપતિ રાઘવ . . ., ઇતની શક્તિ હમે . . ., તુ હી રામ તુ હી રહીમ . . ., સાબરમતી કે સંત . . . જેવા ભજન-કિર્તનો અને ગાંધીજીના વિચારોનું વાંચન કરવામાં આવ્‍યું હતું. કરિયા ઉર્દુ કન્‍યા શાળાની બાલિકા શેખ વસીયાબાનુએ બાળ શિક્ષણ વિશે ગાંધીજીના વિચારો રજુ કર્યા ત્‍યારે મંત્રી શ્રી, મહાનુભાવો અને સભામાં ઉપસ્‍થિત સૌકોઇએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
પ્રાર્થના સભામાં વિવિધ ધર્મના સંતો, ધર્મગુરૂઓ, અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.
મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ અને મહાનુભાવોએ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગોધરાની રાણા સોસાયટી ખાતે સફાઇ કાર્ય કર્યું હતું. ત્‍યારબાદ, પંચશીલ ખાદી ભવન ખાતેથી મંત્રીશ્રીએ અને મહાનુભાવોએ ખાદીની ખરીદી કરી હતી.
સર્વધર્મ પ્રાર્થના સભા પહેલા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને મહાનુભાવોએ ગાંધી ચોક ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદના કરી હતી.
વહેલી સવારે ૭/૦૦ કલાકે પોલીસ હેડ ક્વાટર્સથી શહેરીજનો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ગોધરા શહેર વિસ્‍તારમાં પ્રભાત ફેરી યોજી હતી. જેનું પ્રસ્‍થાન જિલ્‍લા કલેકટર જિલ્‍લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, નિવાસી અધિક કલેકટર, ગોધરા પ્રાંત અધિકારીએ કરાવ્‍યું હતું.
પૂજ્ય મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મી જયંતિ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં સાંસદ શ્રી પ્રભાસિંહ ચૌહાણ, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્‍લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી ગોપાલભાઇ પટેલ, જિલ્‍લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, રેંજ આઇ.જી. શ્રી મનોજ શશીધર, પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, નાયબ વન સંરક્ષક શ્રી અંશુમાન શર્મા, શ્રીઅશ્વિનભાઇ પટેલ, ગોધરા નગરપાલિકા પ્રમુખ શ્રી ઇલેન્‍દ્રભાઇ પંચાલ, પૂર્વ ધારાસભ્‍ય નિમિષાબેન સુથાર સહિત પદાધિકારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓઓ ઉત્‍સાહભેર જોડાયા હતાં.

Advertisement

Share

Related posts

અમદાવાદની SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં POP ની 5 જેટલી શીટ ધરાશાયી

ProudOfGujarat

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો સાથે એક પંગથમાં બેસી CM રૂપાણીએ ભોજન લીધું: વિધવા બહેનોને કરી સહાય

ProudOfGujarat

નેત્રંગનાં કંબોડીયા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!