ગોધરા,
પંચમહાલ જિલ્લામાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા. ૨જી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ગોધરા ખાતે યોજાનાર છે.
ગૃહ રાજ્ય મંત્રી અને પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સવારે ૮/૦૦ થી ૯/૦૦ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના યોજાશે. જેમાં જિલ્લાના તમામ ધર્મના ધર્મગુરૂઓ, મહાનુભાવો, આમંત્રિતો, નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
આ પહેલા, ગૃહ રાજ્ય મંત્રીશ્રી ચર્ચ પાસે આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના કરશે. નગરજનો અને વિદ્યાર્થીઓ પ્રભાત ફેરી સ્વરૂપે પ્રાર્થના સભા સ્થળ- પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આવશે.
પ્રાર્થના સભામાં સવારના ૯/૦૦થી સ્વચ્છતા સંદેશ સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના વિચારોનું વાંચન થશે. ત્યારબાદ, ૧૦/૦૦ વાગે પ્રાર્થના સભાનું સમાપન થશે.
આજ દિવસે, સાંજના ૬/૦૦ થી રાત્રિના ૯/૦૦ કલાક દરમિયાન સરદાર નગરખંડ ખાતે આશ્રમ ભજનાવલી કાર્યક્રમ યોજાશે. જેમાં ભારત સરકારના કેન્દ્રિય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર, કૃષિ, પંચાયત, પર્યાવરણ વનરાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, મહાનુભાવો, આમંત્રીતો અને નગરજનો ઉપસ્થિત રહેશે. આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ સ્થાનિક કલાકારો અને વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવશે.
પૂજ્ય બાપુની જન્મ જયંતિના પાવન અવસરે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને જિલ્લાના નાગરિકોને ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને સમગ્ર જિલ્લા પ્રશાસન તંત્ર તરફથી ભાવપૂર્વકનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.