વિજયકુમાર,ગોધરા,
પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનથી જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગોધરા નગર સેવા સદનથી રેલી કાઢવામાં આવી હતી જે શહેરના જાહેર માર્ગો ઉપર ફરી નાગરિકોને પર્યાવરણના જતન અને સ્વચ્છતા અંગેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, પર્યાવરણ પ્રત્યેની દુર્લક્ષતાને કારણે આપણી સૃષ્ટિ ઉપર ગ્લોબલ વોર્મિંગનો ભય તોળાઇ રહ્યો છે. માનવ સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે, તેવા સમયે પર્યાવરણ પ્રત્યે જાગૃત બની નિયમોનું પાલન કરીએ. ઘર, શેરી-મહોલ્લાને સ્વચ્છ રાખી આપણી આસપાસની હવા, પાણીને દુષિત થતાં અટકાવીએ. કચરાને યોગ્ય સ્થળે, યોગ્ય રીતે નિકાલ કરીએ તેમ વધુમાં જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે જન જાગૃતિ રેલીમાં જોડાઇ ગોધરા શહેરના દુકાનદારો, વેપારી-ફેરિયાઓને પ્લાસ્ટિકની બેગના સ્થાને કાપડની થેલીના વપરાશની
અપીલ કરી હતી અને પ્લાસ્ટિકની બેગના સ્થાને કાપડની થેલીના ઉપયોગ
કરવા અને પર્યાવરણ જાળવણી અનુ સ્વચ્છતાના શપથ લેવડાવ્યાં હતાં.
ગોધરા નગર સેવા સદનથી ગૌરવ પથ ઉપર નિકળેલી આ રેલીમાં, જિલ્લા વિકાસ અધિકારી એ. જે. શાહ, નગરપાલિકા પ્રમુખ વિદ્યાબેન હરવાણી, નાયબ વન સંરક્ષક અંશુમાન શર્મા, ડો. સુજાત વલી, ડો. શ્યામસુંદર, સેવાભાવી સંસ્થાઓના સભ્યો, શહેરના પ્રબુધ્ધ નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતાં.
પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત જિલ્લામાં તા. પમી જૂન, ૨૦૧૮ થી તા. ૧૧મી જૂન, ૨૦૧૮ દરમિયાન જન જાગૃતિ રેલી, સામુહિક સફાઈ, પ્લાસ્ટિક મુક્ત જિલ્લો, પ્લાસ્ટિક વેસ્ટ અને સેગ્રીગેશનના વર્કશોપ, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે.