ગોધરા, રાજુ સોલંકી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે આરોગ્યની ૧૦૮ સેવા, શાળા આરોગ્ય તપાસણી, મા અમૃતમ જેવી યોજનાઓને શરૂ કરાવી હતી. આજે પ્રધાનમંત્રી તરીકે દેશના કરોડો પરિવારો માટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરી સંવેદનશીલ નિર્ણય લીધો છે. પંચમહાલ જિલ્લાના ૧.૨૧ લાખ પરિવારોને આ યોજનાનો સીધો લાભ મળનાર છે. નાની-મોટી બિમારી સહિત તમામ પ્રકારની પરિવાર દીઠ રૂા. ૫ લાખ સુધીની વાર્ષિક આરોગ્ય સારવાર ઉપલબ્ધ થશે. આ યોજનાથી હવે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારને દેવુ કરીને દવા નહિ કરાવવી પડે.
કૃષિ (રાજ્યકક્ષા) અને પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે, ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો જિલ્લામાં પ્રારંભ કરાવતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે રાજ્ય સરકારે અમલીત કરેલી મા વાત્સલ્ય યોજના, વરિષ્ઠ નાગરિકો માટેની યોજના અને અકસ્માતના કિસ્સામાં કોઇપણ નાગરિકને તાત્કાલિક સારવાર પેટે રૂા. ૫૦ હજાર સુધીનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર આપે છે તેમ જણાવ્યું હતું.
વધુ પાના ૨ ઉપર . . .
૨
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં થયેલા આર્થિક, સામાજિક, જાતિ અધારિત સર્વે મુજબના પરિવારોને આ યોજના હેઠળ લાભ મળનાર છે. જિલ્લામાં ૯૭ ટકા પરિવારોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યાં છે, બાકી રહેતા પરિવારોને સમાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ અને શ્રી અશ્વિનભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં.
સમારોહમાં, ઝારખંડના રાંચીથી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્ હસ્તે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના થયેલા પ્રારંભનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે લાભાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલા સહાયતા કેન્દ્ર-કિઓસ્કનું ઉદ્ઘાટન કર્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ યોજનાકીય માહિતી આપી હતી તેમજ ટોલ ફ્રી નંબર ૧૪૫૫૫ અને ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨ ઉપરથી પણ યોજનાને લગતી જાણકારી મેળવી શકાય છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગના સમારોહમાં જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા કૈલાશબેન પરમાર સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષો, તાલુકા પંચાયતના પ્રમુખો, ડોક્ટર સેલના ડો. યોગેશભાઇ પંડ્યા, સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી સહિત આમંત્રિતો, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.