ગોધરા નર્સિંગ સ્કુલ ખાતે ૧૫૦ બેડની ક્ષમતા ધરાવતા કોવિડ વોર્ડ બાદ તાજપુરા ખાતેની હોસ્પિટલની ક્ષમતામાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના કોરોના પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુના હસ્તે તાજપુરા, નારાયણ ધામ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ બેડનો નવીન વોર્ડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ઉમેરા સાથે તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ક્ષમતા ૨૭૫ થઈ છે. આ ૨૭૫ પૈકી ૨૫૦ બેડ કન્ફર્મ પેશન્ટ માટે અને ૨૫ બેડ આઇસોલેશન વોર્ડ માટે ઉપલબ્ધ છે. ખુલ્લા મુકાયેલા ૧૦૦ બેડ પૈકી ૬૦ બેડ પર પાઈપલાઈન મારફતે ઓક્સિજન પહોચાડવાની સુવિધા રખાઈ છે. પ્રભારી સચિવશ્રીએ ગઈ કાલે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ સહિતના અધિકારીઓ સાથે નારાયણ કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું. સચિવશ્રીએ નવા આવતા કોરોના કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખી જરૂરિયાત વાળા દર્દીઓ માટે પૂરતી સંખ્યામાં બેડ ઉપ્લબ્ધ રહે તે સુનિશ્ચિત કરી ફેસિલિટી મેનેજમેન્ટ કરવા, જરૂર પડ્યે વધુ બેડનો ઉમેરો કરવા સૂચના આપી હતી. નારાયણ કોવિડ હોસ્પિટલના વડા ડો. ઉદયપ્રકાશે જણાવ્યું હતું કે નવીન વોર્ડમાં પૂરતા પ્રમાણમાં પંખા, ટોઈલેટ બાથરૂમ સાથેની સુવિધાઓ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં દર્દીઓ પ્રફુલ્લિત રહે તે માટે મ્યુઝિક સિસ્ટમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં સંક્રમણના કુલ ૧૮૭ પેશન્ટની સારવાર કરવામાં આવી છે. હાલમાં હોસ્પિટલમાં કુલ ૪૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કુલ ૫૨૫ બેડ ઉપલબ્ધ બન્યા છે. પોઝિટિવ કેસોમાં વધારાના દરને ધ્યાને રાખી આ ક્ષમતાને ભવિષ્યમાં વધારવામાં આવશે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુના હસ્તે તાજપુરા ખાતે ૧૦૦ બેડનો નવીન કોવિડ વોર્ડ ખુલ્લો મુકાયો.
Advertisement