પંચમહાલ જીલ્લામાં આવેલી ઔધોગિક વસાહતમાં કામ કરતા હજારો કામદારો ઉપર લોકડાઉનના કારણે માઠી અસર પડી છે. ત્યારે લોકડાઉન લંબાતા કામદારોનાં જીવનનિર્વાહ પર અસર જોવા મળી રહી છે. ત્યારે કામદારો પણ પોતાના માદરે વતન જવાની માંગ કરી રહ્યા હતા. જોકે સરકાર દ્વારા વિશેષ ટ્રેન દ્વારા તેમને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામા આવી હતી.જેમા પંચમહાલ માંથી 1200 જેટલા પરપ્રાંતિય કામદારોને ગોધરાથી ટ્રેન દ્વારા રવાના કરવામા આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી ઉત્તરપ્રદેશનાં 1220 જેટલા પરપ્રાંતિય શ્રમિકોને ગઈકાલે રાત્રે એક વાગ્યા સુમારે ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે ટ્રેન રવાના કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ૩૦ જેટલી એસ.ટી બસો દ્વારા રાત્રે ૧૦ વાગે ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાસેથી પરપ્રાંતિય શ્રમિકોને લઈ રેલ્વે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી દેવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં જયારે કોરોના વાઇરસના સંક્રમણનાં કારણે ભારત સહિત ગુજરાતમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું હતું. લોકડાઉનની પરિસ્થિતિને કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા જેની સીધી અસર શ્રમિકો ઉપર પડી હતી. બહારનાં રાજયમાંથી ધંધા રોજગાર માટે આવેલ શ્રમિકોને લોકડાઉનની સ્થિતિમાં રોજગાર ન મળતા હાલત કફોડી બની ગઈ હતી. ત્યારે ગઈકાલે પોતાના વતનમાં જવા માટેની સરકાર દ્વારા પરમીશન મળતા 1220 જેટલા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાંથી ૩૦ એસ.ટી બસો દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતાં અને ત્યાંથી રાત્રે એક વાગ્યે યુ.પી ના કાનપુર સુધી ટ્રેન દોડાવવામાં આવી હતી ત્યારે ઉત્તરપ્રદેશના 1220 શ્રમિકોના પરિવારો પાસેથી ટિકિટનાં રૂપિયા 505 લઈ તેમને વિશેષ ટ્રેન દ્વારા સોમવારે રાત્રે એક વાગે ગોધરાથી કાનપુર રવાના કર્યા હતા. આ મહામારીના પ્રકોપમાં જયાં રોજગાર ધંધો છીનવાઈ ગયો હોય અને ખાવાના પણ ફાંફા હોય તેવા સંજોગોમાં શ્રમિકો પાસેથી ટિકિટનાં રૂપિયા લેવા કેટલા યોગ્ય છે તે એક ચર્ચાનો વિષય બન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી