ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક ધનપરી ખાતે પ્રાકૃતિક વનસંપદા ધરાવતા જાંબુધોડા અભ્યારણ્યમાં મધ્ય ગુજરાત ઝોનના અધિકારી/કર્મચારીઓ માટે ચિંતન શિબિર યોજાઇ હતી. પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા અને જિલ્લા માહિતી કચેરી, પંચમહાલ ગોધરાના સહયોગથી યોજાયેલ આ સામુહિક ચિંતન શિબિરમાં ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલકભાઇ ત્રિવેદી અને મધ્ય ગુજરાત ઝોનના સંયુકત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ માહિતી ખાતાની પ્રચાર-પ્રસાર કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ચાવીરૂપ માર્ગદર્શન આપ્યું હતું.
જાંબુઘોડા ખાતે આ શિબીરનુ દિપપ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામા આવી હતી.જેમા ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલકભાઇ ત્રિવેદીએ લેખન, તસવીર કળા અને સોશ્યિલ મીડિયાના અસરકારક ઉપયોગ અંગે વકતવ્ય આપતાં જણાવ્યું હતું કે,” માહિતી ખાતુ રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યાણની યોજનાઓના પ્રચાર-પ્રસાર સાથે સરકારે હાંસલ કરેલ સિધ્ધિઓની વાત પ્રજા સમક્ષ મૂકે છે, ત્યારે આધુનિક અને હરિફાઇના યુગમાં માહિતી ખાતાના અધિકારી/કર્મચારીઓએ સરકારની વાત વધુ અસરકારક રીતે પ્રજા સમક્ષ પહોંચાડવા માટે પોતાની જાતને સતત અપગ્રેડ કરવી પડશે.
સ્વવિકાસ માટે ચિંતન-મનન અને મંથન પ્રથમ પગથિયું છે. માહિતી ખાતામાં સમાચારની કામગીરી ખુબ જ અગત્યની છે, ત્યારે માહિતી ખાતામાં સમાચાર કામગીરી સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓએ સમાચાર કામગીરીમાં નવીનતા લાવવા સતત વાંચન કરવા અનુરોધ કર્યો હતો. તસવીર કળા એ પણ આગવી કળા છે. તસવીર એ ઇતિહાસને ભૂતકાળ થતી અટકાવે છે. વિવિધ કાર્યક્રમોમાં અસરકારક તસવીરો પણ કેવી રીતે લઇ શકાય તે અંગે તેમણે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડયું છે.”
પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના સંયુકત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ જણાવ્યું હતું કે,” માહિતી ખાતામાં રોજબરોજ નવા નવા લક્ષ્યાંકો સાથે કામગીરી કરવાની હોય છે. એટલું જ નહીં રાજય સરકારની બહુમુખી કામગીરીને ઉજાગર કરવાની કામગીરી માહિતી ખાતું કરે છે. ત્યારે કામગીરીને વધુ સુદ્ઢ બનાવવા માટે વિશ્વશનીયતા, ત્વરા અને ચોકસાઇ પૂર્વક માહિતી કર્મીઓ પોતાની ફરજો અદા કરે તે સમયની માંગ છે.વધુમાં ઉમેર્યું કે, ઇલેકટ્રોનિક-પ્રિન્ટ મીડિયાની ત્વરા અને હરીફાઇના યુગમાં ખાતાની કામગીરી અસરકારક બને તે જરૂરી છે.”
કાર્યક્રમનાં પ્રારંભમાં જિલ્લા માહિતી કચેરી, ગોધરાના નાયબ માહિતી નિયામકરાજેન્દ્ર રાઠોડે સહુને આવકાર્યા હતા.ચિંતન શિબિરમાં ખેડા-આણંદ-દાહોદ-મહિસાગર-વડોદરા-છોટાઉદેપુર-ગોધરા જિલ્લા કચેરીઓના વડાઓ સહિત સમાચાર કામગીરી સાથે સંકળાયેલા કર્મીઓએ ભાગ લીધો હતો.