વિજયસિંહ સોલંકી, ગોધરા
રાજ્યના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળે તેમજ ખેતીવાડી ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આપવા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ દિને ગોધરા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કૃષિ મેળાને સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણએ, કલેકટરશ્રી ઉદિત અગ્રવાલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહની ઉપસ્થિતિમાં ખુલ્લો મુક્યો હતો. આ કૃષિ મેળામાં ખેડૂતોને આધુનિક ખેતપદ્ધતિઓ અંગે જાણકારી આપતા વિવિધ પ્રદર્શન સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેને વિશાળ સંખ્યામાં ખેડૂતોએ નિહાળ્યું હતું. આત્મા પ્રોજેક્ટ હેઠળ ત્રણ પ્રગતિશીલ ખેડૂતોનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.
સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં શરૂ કરેલા કૃષિ મહોત્સવના ક્રાંતિકારી પરિણામો મળ્યા છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે અને ગુજરાતનો કૃષિ વિકાસ દર ૧૦ ટકા જેટલો રહ્યો છે.
કલેકરટશ્રી ઉદિત અગ્રવાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે ખેડૂતોએ આધુનિક અને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિથી ખેતીની સાથે પશુપાલન વ્યવસાય અપનાવી આર્થિક રીતે સધ્ધર થવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે ખેતીમાં પાણીના બચાવ માટે ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થતાં ખેડૂતોને હવે યુરિયા માટે લાઇનોમાં ઊભા રહેવું પડતું નથી અને સરળતાથી યુરિયા ખાતર ઉપલબ્ધ થાય છે. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.ડી.ચારેલે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં નાયબ નિયામકશ્રી ડી.એચ.રબારીએ આભારવિધિ કરી હતી.
આ અવસરે પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂત સમુદાય હાજર રહ્યો હતો.