ગોવાના જુદા જુદા વિસ્તારોમાં બાળક ચોર હોવાની શંકામાં કેટલાક લોકો સાથે મારપીટની ઘટનાઓ સામે આવી છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દક્ષિણ ગોવાના વાસ્કો શહેરના પોલીસ ઈન્સ્પેક્ટર કપિલ નાયકે જણાવ્યું હતું કે, વિસ્તારમાં ભટકતા માનસિક રીતે અસ્થિર માણસને મારવા માટે ટોળાને ઉશ્કેરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપીઓની ઘટનાના બે દિવસ પછી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસે પીડિત વ્યક્તિને સારવાર માટે અહીંની નજીકની મનોચિકિત્સા અને માનવ વર્તણૂક સંસ્થા (ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાઈકિયાટ્રી એન્ડ હ્યુમન બિહેવિયર)માં દાખલ કરી છે.
આ રીતની એક અન્ય ઘટનામાં, દક્ષિણ ગોવાના મડગાંવ શહેરથી 10 કિમી દૂર બેતાલભાટીમ ગામમાં ગુરુવારે લોકોના જૂથે એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. કોલવા પોલીસ સ્ટેશનના નિરીક્ષક ફિલોમેના કોસ્ટાએ જણાવ્યું હતું કે ચાઇલ્ડ લિફ્ટર હોવાની શંકામાં ટોળા દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમણે કહ્યું કે પીડિત કથિત રીતે રસ્તો ભૂલી ગયો હતો અને ભૂલથી કોઈ બીજાના ઘરમાં જતો રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે આ વ્યક્તિ ફિશિંગ ટ્રોલર પર કામ કરે છે. અજાણ્યા પુરૂષને જોઈને મહિલાઓના ટોળાએ બૂમો પાડવાનું શરૂ કર્યું જેના કારણે ગેરસમજ ઉભી થઈ. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ત્રીજી ઘટના મંગળવારે દક્ષિણ ગોવાના ફાટોરડા વિસ્તારમાં બની હતી. અહીંના પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના એક ખાનગી સુરક્ષા ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેણે ખોટું એલાર્મ વગાડ્યું હતું અને લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. ઈન્સ્પેક્ટર ગીરેન્દ્ર નાઈકે જણાવ્યું હતું કે સુરક્ષા ગાર્ડે ખોટું એલાર્મ વગાડ્યું હતું અને પોલીસને સતર્ક કરતા દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં એક ભિખારી બાળક ચોર છે.