ગાઝિયાબાદના લોનીની રૂપ નગર કોલોનીમાં રવિવારે એક નિર્માણાધીન બિલ્ડિંગનું લેન્ટર તૂટતા અફરાતફરી મચી છે. મળતી માહિતી મુજબ લેંટરની નીચે ઘણા મજૂરો દટાયા છે. પ્રાથમિક માહિતી મુજબ ફાયર વિભાગે છ મજૂરોને બહાર કાઢ્યા છે, જ્યારે બેના મોત થયા છે. અન્ય લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવેલા મજૂરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીસીપી રવિ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસ હાલમાં બિલ્ડિંગના માલિક વિશે માહિતી મેળવી રહી છે.
મળતી માહિતી મુજબ નિર્માણાધીન સ્થળ પર કામ કરતા મજૂરોને સુરક્ષાના કોઈ સાધનો અપાયા ન હતા. એવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે બાંધકામમાં વપરાયેલ સામગ્રીની ગુણવત્તા પણ ખરાબ હતી. ડીસીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે લગભગ 10 લોકો દટાયા હોવાની માહિતી મળી છે. છ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. NDRFની ટીમને ઘટનાસ્થળે બચાવ માટે બોલાવવામાં આવી છે.