ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટીમાં આજે ઇત્તર પ્રવૃત્તિની ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રવેશ નહીં આપતા ભારે હોબાળો મચી ગયો હતો. જેના પગલે કોલેજ સંકુલ બહાર વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થા વિરૃધ્ધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. યુનિ. ના સત્તાધીશો દ્વારા મામલાને થાળે પાડવા માટે મથામણ પણ શરૂ કરી દેવામાં આવી હતી.
દેશમાં શિક્ષણ ધીરે ધીરે મોંઘુ થઇ રહ્યું છે અને શૈક્ષણિક સંસ્થાઓ યેનકેન પ્રકારે વિદ્યાર્થી-વાલીઓ પાસેથી અલગ અલગ ફીના નામે નાણા પડાવી રહી છે. જે સંદર્ભે શિક્ષણ વિભાગને પણ રજુઆતો કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા પણ આવી શૈક્ષણિક સંસ્થાઓ સામે કોઇ પગલાં ભરવામાં આવતા નથી તેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની હાલત કફોડી બની જાય છે. આ સ્થિતિ વચ્ચે ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટિમાં આજે ફીના મામલે વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કર્યો હતા. મળતી વિગતો પ્રમાણે, આ યુનિ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા નિયત કરવામાં આવેલી ફી ભરી દેવામાં આવી હતી પરંતુ યુનિ. દ્વારા ઇત્તર પ્રવૃત્તિ માટે વધારાની ફીની માંગણી કરી હતી જે ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલટીકીટ આપવામાં આવી ન હતી અને પરીક્ષામાં પ્રવેશ નહીં આપતા આજે હોબાળો મચી ગયો હતો. યુનિ. બહાર જ વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરતા યુનિ.ના સંચાલકો મામલાને થાળે પાડવા માટે મથી રહ્યા હતા.