ગાંધીનગર મહાનગર પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કોર્પોરેશનના વિકાસ કામો માટે ૫૦ કરોડ રૃપિયાના બોન્ડ બહાર પાડવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જેને હવે મંજૂરી અર્થે સરકારમાં મોકલી આપવામાં આવશે આ ઉપરાંત ફાયર બ્રિગેડના એનઓસીના દરોમાં વધારા સહિતની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર હિતેશ મકવાણાની અધ્યક્ષતામાં મળી હતી. જે બેઠકમાં ગત બેઠકના પ્રોસિડીંગને મંજૂરી આપવાની સાથે અલગ અલગ દરખાસ્તો ઉપર નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા એનઓસીના વસૂલવામાં આવતા દરોમાં વધારો અને બચાવ,રાહત કામગીરી અંગેના પણ કોલના દરમાં વધારો કરવા અંગેની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં ગુજરાત સ્લમ રિહેબિલિટેશન પોલીસી હેઠળ કોર્પોરેશન દ્વારા પણ ઝુપડપટ્ટી વિસ્તારનો સર્વે કરીને તેમના પાકા આવાસ આપવાનું આયોજન છે જે માટે હાઉસિંગ સેલનું મહેકમ તેમજ સર્વેમાં થનાર ખર્ચ અંગેની દરખાસ્ત પણ મંજુર કરી દેવામાં આવી હતી. તેની સાથે કોર્પોરેશન વિસ્તારમાં કરોડો રૃપિયાના વિકાસ કામો માટે ૫૦ કરોડના બોન્ડ બહાર પાડવાની પણ દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી હતી જોકે વિપક્ષના નેતા અંકિત બારોટે બોન્ડ બહાર પાડવાની દરખાસ્તનો વાંધો ઉઠાવ્યો હતો અને વિકાસ કામો માટે નાણાંની અછત નહીં હોવાથી નાગરિકોને ટેક્સના રૃપિયાથી કોર્પોરેશનની તિજોરી છલકાઈ રહી છે ત્યારે બોન્ડ બહાર પાડવાની કોઈ જરૃરિયાત નહિ હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા ત્રણ ચાર વર્ષના હિસાબો પણ રજૂ નહીં કરાયાનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ ગાંધીનગર શહેરમાં બાંધકામના કચરા નિકાલ માટેના નવા નિયમો પણ આ બેઠકમાં મંજૂર કરી દેવામાં આવ્યા હતા. જેથી હવે આગામી સમયમાં ખુલ્લામાં બાંધકામનો કચરો ફેકનાર વ્યક્તિઓ સામે કોર્પોરેશન દ્વારા કડક ખાતે કામ લેવામાં આવશે.