ગાંધીનગરના રાંદેસણમાં કોમ્પ્યુટર કેર નામની દુકાનની આડમાં ચાલતા હાઈપ્રોફાઇલ જુગારધામનો લોકલ ક્રાઇમ બ્રાંચ-2 ની ટીમે ભાંડાફોડ કર્યો છે. પોલીસે જુગાર રમતા 11 ઇસમો સાથે જુગારનું સાહિત્ય, પ્લાસ્ટિકના કોઈન નંગ-400 સહિત કુલ રૂ.36.8 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-2 ની ટીમને બાતમી મળી હતી કે, રાંદેસણમાં આવેલા પ્રતીક મોલના ચોથા માળે કોમ્પ્યુટર કેર નામની ઓફિસની આડમાં હાઈ પ્રોફાઇલ જુગાર ધામ ચલાવવામાં આવી રહ્યું છે. આથી એલસીબી-2 ની ટીમે બાતમીના આધારે ઘટના સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા પ્રિગ્નેશ પટેલ, કૌશલેંદ્રસિંહ રાજપુત, યશ ગજ્જર, દીપ પટેલ, નરેશકુમાર પટેલ, હાર્દિક પટેલ, સંજીવ ગુપ્તા, રાજેશકુમાર પટેલ, હાર્દિક જેસંગભાઇ પટેલ, વિનીત પટેલ તેમ જ ઉમંગ પટેલની ધરપકડ કરી હતી. પ્રિગ્નેશ પટેલ અને કૌશલેંદ્રસિહ રાજપુત ઓફિસનું સંચાલન કરતા હતા.
સ્થળ પરથી પોલીસે મોંઘીદાટ વિદેશી દારૂ, પ્લાસ્ટિકના ગોળ કોઇન, રોકડ, મોંઘા મોબાઇલ ફોન, વાહન મળી કુલ રૂ.36.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.