ગાંધીનગરની દહેગામ પોલીસ અને ડભોડા પોલીસે ત્રણ અલગ-અલગ જગ્યાએ દરોડો પાડીને જુગાર રમતા કુલ 10 ઇસમની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 98 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દહેગામ પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની સામે આવેલા અંબે માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં રાતના સમયે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે બાતમી સ્થળે દરોડો પાડીને જુગાર રમતા અક્ષય ભવાનજી ઠાકોર, પોપટભાઇ લાલભાઇ મારવાડી, મૌલીક રાજેશભાઇ નાગર અને રવિ રમેશભાઇ પારેખની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે મોબાઇલ, જુગારનું સાહિત્ય અને રોકડ મળી કુલ રૂ. 67 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ડભોડા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કરાઇ ગામમાં ઈન્દિરાનગર ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી જુગાર રમતા ભીખાજી મોતીજી વણજારા, સુરેશસિંહ ફતેસિંહ પરમારને ઝડપી લીધા હતા. ઉપરાંત, વાંકાનેરડા ગામની સીમમાં આવેલા આંબાવાડી ફળીમાં પણ બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમતા સંદિપકુમાર પરબતજી ઠાકોર, સુમન કાનાજી ઠાકોર, વિપુલ કાન્તીજી ઠાકોર તેમ જ રાજેશ મનુજી ડોડીયા (તમામ રહે.વાંકાનેરડા)ને ઝડપી લઈ કુલ રૂ. 21 હજાર 950 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.