ગાંધીનગર સેક્ટર-20 માં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને તમામ સામાન વેર વિખેર કરી દીધો હતો. જોકે, તસ્કરોને ઘરમાંથી કોઈ કિંમતી માલ-સામાન ન મળતા એલઈડી ટીવી અને એક ચાવી ચોરી ગયા હતા. ત્યાર બાદ નીચે જઈ પાર્કિંગમાંથી એ જ ચાવીથી એક કાર ચાલુ કરી ફરાર થયા હતા. આ મામલે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેક્ટર-20 માં મૂળ દાહોદના 53 વર્ષીય રમેશભાઈ ચરપોટ પરિવાર સાથે રહે છે. રમેશભાઈ સચિવાલયમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. તેમની પાસે એક કાર પણ છે. 26 ઓગસ્ટના રોજ રમેશભાઈ પરિવાર સાથે ગોધરા રહેતી દીકરીના ઘરે ગયા હતા અને સાંજે પરત આવ્યા હતા. જોકે, ઘરે આવીને જોયું તો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું છે અને ઘરમાં સામાન વેર વિખેર છે. ઘરમાં રાખેલ ટીવી પણ ગાયબ હતું. ઉપરાંત, તેમની કાર પણ પાર્કિંગમાં ન દેખાતા ચોરાઈ ગઈ હોવાની જાણ થઈ હતી.
આ મામલે રમેશભાઈએ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરોને પકડી પાડવા પોલીસ સોસાયટીના અને નજીક વિસ્તારના સીસીટીવી કેમેરા પણ ચેક કરી રહી છે. જોકે, હજી સુધી કોઈ સફળતા મળી નથી.