ગાંધીનગરના પુન્દ્રાસણ ગામ બસ સ્ટેન્ડની પાછળ આવેલા એક ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડીને જુગાર રમતા સાત પૈકી 3 ની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પેથાપુર પોલીસે જુગાર રમતા 7 લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર એલસીબી ટીમને બાતમી મળી હતી કે, પુન્દ્રાસણ ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલા જારવાળા ખેતરમાં કેટલાક લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દરોડો પાડ્યો હતો. જો કે, પોલીસને જોઈ સાત પૈકી 4 લોકો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3ની પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં રમેશ ઉર્ફે ટીના દિવાનજી ઓખા ઠાકોર, વિજય જ્યંતી રામાજી ઠાકોર, રણજિત ઉર્ફે મકો પધાજી મથુરજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું.
જ્યારે ફરાર આરોપીઓના નામ કિરણ ઠાકોર, મનુ ઠાકોર, રાકેશ ઠાકોર તથા વિપુલ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. આ કાર્યવાહીમાં એલસીબીની ટીમે ઘટના સ્થળ પરથી જુગારનું સાહિત્ય, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ. 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પેથાપુર પોલીસે 7 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.