રાજ્યમાં ચોમાસું પાછળ ખેંચાયું છે. ત્યારે રોગચાળો પણ વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગની હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, ઉલટી, ડેન્ગ્યૂ, મલેરિયા સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. વિભાગ દ્વારા બાંધકામ સાઇટ, રહેાણાંક વિસ્તાર સહિત વિવિધ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા સરગાસણ, રાયસણ અને વાવોલ સહિત 14 જેટલા બાંધકામ સાઇટમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. આથી 3 સાઇટને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ.10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઉપરાંત, 10 સાઇટને નોટિસ આપી પોરાનાશકની કામગીરી કરવા સૂચના અપાઈ છે. અહેવાલ અનુસાર, સરગાસણની સ્વાગત એફોર્ડ રેસિડેન્સી, રાયસણની સિલિકોન નેસ્ટ અને વાવોલની સહજાનંદ સ્કાય લાઇનને દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉપરાંત, રાયસણની સાગર ડાયનામિક, અમતુલ્ય, સિલિકોન નેસ્ટ, સાગર સ્કાઇલાઇન, વિનાયક રિવર સાઇડ, સમર્થ લાવિશ વેલા, ટેક્સાસ-2, જેએમડી હોસ્ટેલ, ગૂડા હોલ, સિદ્ધિવિનાયક ફ્લેટ તથા વાવોલના સાલવિક શુકનને નોટિસ ફટકારીને પોરાનાશક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.