ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં 15 મી ઓગસ્ટના રોજ એક રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી કરી ફરાર થઈ જનારા રીઢા ચોરની સ્પેશયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ ધરપકડ કરી છે. આ સાથે 4 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના કલોલમાં 15 મી ઓગસ્ટના રોજ ટાવર ચોકથી બસ સ્ટેન્ડ તરફના રોડ પર એક રાહદારી મહિલના ગળામાંથી સોનાનો દોરો ખેંચી ફરાર થઈ જનારો ઇસમ નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઈને પ્રેસ સર્કલથી આદીવાડા જતા રોડ પર ઊભો હોવાની બાતમી એસઓજીને મળી હતી. આથી એસઓજીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી નાકાબંધી ગોઠવી શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં તેનું નામ સુરેશ પુણાભાઇ મારવાડી હોવાનું ખુલ્યું હતું.
જ્યારે ચેઇન સ્નેચિંગના ગુનામાં સંકળાયેલ તેનો સાગરિત શૈલેષ વાંજા હાલ પણ ફરાર છે. આરોપીએ કબૂલ્યું કે, અગાઉ તેણે મિત્ર શૈલેષ સાથે મળીને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી ફરાર થયા હતા. ઉપરાંત, ચાંદખેડામાંથી એક બાઇક પણ ચોરી હતી. વિરમગામમાં તેમના પર પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. જ્યારે આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ભૂતકાળમાં કલોલ સિટી પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગના 4, કડીમાં પ્રોહિબિશનના 20 અને વિરમગામમાં 3 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.