એક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં દારૂની હેરાફેરી કરતા ઇસમોને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-2ની ટીમે ઝડપી લીધા હતા. ટીમે બાતમીના આધારે પાલજ બ્રિજ પાસેથી પસાર થતી એક ટ્રકને રોકી તપાસ કરતા તેમાં ઘઉંના ભુંસાની આડમાં વિદેશી દારૂની 10 હજાર 356 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 40.12 લાખ જેટલી થાય છે. પોલીસે કુલ રૂ. 50.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-2ની ટીમને બાતમી મળી હતી કે, હિંમતનગર હાઈવે રોડ તરફથી એક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે અને ટ્રક ચિલોડા હાઇવે થઇ અમદાવાદ તરફ જનાર છે. આથી પોલીસની ટીમે પાલજ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ટ્રકને પોલીસે રોકી હતી અને તપાસ આદરી હતી. તપાસમાં ટ્રકમાંથી ઘઉંના ભુંસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની 873 પેટીમાંથી 10 હજાર 356 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત અંદાજે રૂ. 40.12 લાખ જેટલી થાય છે.
આ કાર્યવાહીમાં પોલીસે ટ્રક ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમનું નામ મોહનલાલ ખેતાસમ સારણ અને જોગારામ પ્રહલાદરામ જાટ હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રાઇવર મોહનલાલે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ચંદીગઢથી અમદાવાદ લઈ જવાઈ રહ્યો હતો. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન, ટ્રક મળી કુલ રૂ.50.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.