ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી દાનપેટીમાંથી રૂ.10થી 15 હજારની રોકડની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, માણસા નજીક રીદ્રોલ રોડ પર આવેલ શ્રી 41 ગામ પાટીદાર ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સમાજવાડીમાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરમાં શનિવારે રાતે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને દાનપેટીમાંથી રૂ.10 થી 15 હજારની રોકડની ચોરી કરી હતી. જોકે, અન્ય કોઇ કિંમતી વસ્તુ ન મળતા તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે મંદિરમાં પૂજા કરતા ગજાનંદભાઈ ત્યાં આવ્યા તો ચોરી અંગેની જાણ થઈ હતી.
આ મામલે સમાજ વાડીના કેમ્પસ ડાયરેક્ટર માધવલાલ પટેલે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ અજાણ્યા ઇસમો સામે ચોરી સહિતનો ગુનો નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી માણસા પંથકમાં તસ્કરોનો આતંક વધ્યો છે. ત્યારે પોલીસ દ્વારા તેમણે જલદી પકડવામાં આવે તેવી માગ ઊઠી છે.