ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. જેના પગલે ત્યાંથી વધુ ૫.૯ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જે લાકરોડા ડેમમાં અને ત્યાર બાદ સંત સરોવરમાં ભરાય છે ત્યારે અહીં સંત સરોવર ડેમમાં પણ આવક વધવાને કારણે આજે છ દરવાજા ખોલીને આજે વધુ ૧૪,૪૨૮ ક્યુસેક પાણી વાસણા બેરજ તરફ છોડવામાં આવ્યું છે જેના પગલે ઇન્દ્રોડા પછીના નદી કિનારાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે.
સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા ડેમમાં પાણીની આવક વધી રહી છે જે સારી બાબત છે પરંતુ સંગ્રહની શક્તિ કરતા વધુ આવક થવાને કારણે ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી હતી છેલ્લા ચાર દિવસથી ઓછા વત્તા પ્રમાણમાં પાણી ગાંધીનગર તરફ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે આજે પણ વધુ ૫.૯ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે અહીંથી પાણી લાકરોડા ડેમ અને તેમાંથી પાણી સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા સંત સરોવરમાં આવ્યું છે અહીં પહેલેથી જ સંત સરોવર ડેમ ફુલ થઇ ગયો હતો ત્યારે આજે વધુ પાણી ધરોઇ ડેમમાંથી છોડવામાં આવતા સંત સરોવરમાં ગઇકાલે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા તે આજે છ દરવાજા ખોલીને તેમાંથી ૧૪,૪૨૮ ક્યુસેક જેટલું પાણી નદીમાં વાસણા બેરજ તરફ છોડવામાં આવ્યું છે. સંત સરોવર તથા હેઠવાસના ૧૦ ગામો ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયણસ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઇ અને નભોઇના ગ્રામજનોને નદી કિનારે નહીં જવાની સુચના આપી છે.ઉલ્લેખનીય છે કે, સંત સરોવર પછી પણ નદી બે કાંઠે વહેતી થઇ છે તેમ છતા લોકો અહીં ન્હાવા અને ફોટોગ્રાફી માટે જઇ રહ્યા છે જે જોખમી છે.